દિલ્હી: જૂન મહિનાના પહેલા દિવસે એલપીજી સિલિન્ડરની કિંમતમાં રાહત મળી છે. ઓઈલ કંપનીઓએ એલપીજી ગેસના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે. સરકાર હસ્તકની ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરાયેલા ભાવો અનુસાર 1 જૂનથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત હવે 1773 રૂપિયા રહેશે. અગાઉ આ સિલિન્ડર 1856.50માં ઉપલબ્ધ હતું. પરંતુ, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી જેના કારણે સામાન્ય જનતાને મોટો ફટકો પડ્યો છે.
Advertisement
Advertisement
આ અગાઉ 1 મે 2023ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 172 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. છેલ્લાં ત્રણ મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 347 રૂપિયાનો ઘટાડો થયો છે. હાલ અમદાવાદમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 1110 રૂપિયા છે અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત લગભગ 1750 રૂપિયા છે.
કયા રાજ્યમાં કેટલી કિંમત ?
મુંબઈમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 1725 રૂપિયા છે અને ચેન્નાઈમાં એલપીજીની કિંમત 1973 રૂપિયા છે. દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1856.50 રૂપિયાથી ઘટીને 1773 રૂપિયા થઈ ગયો છે. જ્યારે કોલકાતામાં તેની કિંમત 1960.50 રૂપિયાથી ઘટાડીને 1875.50 રૂપિયા કરવામાં આવી છે.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યાવસાયિક હેતુઓ માટે થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ઘટાડો કરી રહી છે. પરંતુ ઘરેલુ રસોઈ માટે ઉપયોગમાં લેવાતા એલપીજી ગેસના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના તમામ રાજ્યોમાં 14 કિલોનું LPG સિલિન્ડર 1100 રૂપિયાથી વધુની કિંમતે ઉપલબ્ધ છે.
Advertisement