જમ્મુ – કાશ્મીરમાં સુરક્ષા દળોએ 15 ઓગસ્ટ પહેલા એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવીને સંયુક્ત ઓપરેશનમાં બારામૂલા અને કોકરનાગમાંથી કુલ છ આતંકવાદીઓની ધરપકડ કરી છે. બુધવારે રાત્રે બનેલી ઘટનામાં કોકરનાગના એથલાન ગડોલેમાં ત્રણ આતંકીઓને ઝડપી લેવાયા હતા. આતંકવાદીઓ સાથે સુરક્ષા દળના જવાનોની અથડામણ થઈ હતી, જેમાં સેનાના એક જવાન સહિત 3 લોકો ઘાયલ થયા હતા. બીજી ઘટનામાં બારામૂલા ખાતે જમ્મુ-કાશ્મીર પોલીસ અને આર્મી ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ પકડાયા હતા. આ ત્રણેય આતંકવાદીઓ લશ્કર-એ-તોયબા (LeT)સાથે સંકળાયેલા છે. તેમની પાસેથી દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે.
Advertisement
Advertisement
આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો
મીડિયા અહેવાલ અનુસાર, બુધવારે કોકરનાગના એથલાન ગડોલેમાં સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર બાદ 3 આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી હેન્ડ ગ્રેનેડ, 2 એકે મેગઝિન અને 56 જીવંત રાઉન્ડ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આતંકીઓએ ઓપરેશન દરમિયાન એક હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યો હતો. તેમાં સેનાના એક જવાન સહિત 3 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને કોકરનાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર છે.
પેટ્રોલિંગ દરમિયાન આતંકવાદી ઝડપાયો
પોલીસે જણાવ્યું કે કોકરનાગની ઘટના બાદ બારામૂલા પોલીસના જવાનો અને સુરક્ષા દળો તથા આર્મીની 16 શીખ લાઇટ ઈન્ફન્ટ્રીએ પેટ્રોલિંગ દરમિયાન ચુરુંડા ઉરીમાં એક શંકાસ્પદને જોયો હતો. તે સુરક્ષા દળોને જોઈને ભાગી રહ્યો હતો ત્યારે તેનો પીછો કરીને તેને ઝડપી લેવાયો હતો. આ શંકાસ્પદની ઓળખ શૌકત અલી તરીકે થઈ હતી. તે પણ લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલો છે. તેની પાસેથી બે ગ્રેનેડ મળી આવ્યા હતા. તેણે તેના અન્ય બે સાથી અહેમદ દીન અને મોહમ્મદ સાદિક ખટાના વિશે પણ માહિતી આપી હતી.
બાદમાં તે બંનેને પણ ઝડપી લેવાયા હતા. બંને ચુરુંડાના રહેવાસી અહેમદ દીન અને મોહમ્મદ સાદિક ખટાના છે. તેમની પાસેથી બે ગ્રેનેડ, એક ચાઈનીઝ પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન અને ચાર લાઈવ રાઉન્ડ પણ મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ આતંકવાદીઓ પાકિસ્તાની હેન્ડલર્સના કહેવા પર સરહદ પારથી હથિયારો અને દારૂગોળાની દાણચોરી કરી રહ્યા હતા. તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓને પાર પાડવા માટે લશ્કરના આતંકવાદીઓને હથિયારો પણ પૂરા પાડતા હતા.
Advertisement