જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં 24 કલાકમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. દરમિયાન, પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં પૂંચ સેક્ટરમાં ઠાર માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળખ હિઝબુલ મુજાહિદ્દીનના ડિવિઝનલ કમાન્ડર તરીકે થઈ છે. આર્મી કમાન્ડરોએ જણાવ્યું કે છેલ્લાં 24 કલાક દરમિયાન સેનાએ કાશ્મીરના કુપવાડા અને જમ્મુના રાજૌરી, પૂંચ જિલ્લામાં આવા ત્રણ અલગ-અલગ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.
Advertisement
Advertisement
જમ્મુ – કાશ્મીર સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બારતવાલે સોમવારે માહિતી આપતા જણાવ્યું કે માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળખ મુનીર હુસૈન તરીકે થઈ છે. તે પૂંચના બગીલાદરાનો રહેવાસી છે. તે એક ખતરનાક આતંકવાદી અને હિઝબુલ મુજાહિદ્દીન વિભાગનો કમાન્ડર હતો. 1993માં પીઓકે ગયા બાદ તે 1996માં પાછો આવ્યો હતો અને પછી 1998માં પીઓકે પાછો ફર્યો હતો. તેણે સુરક્ષા દળો પર અનેક હુમલાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસ રેકોર્ડ મુજબ, તે પરિવાર સાથે પૂંચના સુરનકોટમાં રહેતો હતો.
પ્રવક્તાએ ઉમેર્યું કે સેનાની પેટ્રોલિંગ પાર્ટીને મોડી રાત્રે લગભગ બે વાગ્યે આતંકવાદીઓ તે સ્થળે હોવાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે બે લોકો એલઓસી દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પછી સામસામે ગોળીબાર શરૂ થયો હતો જેમાં એક આતંકી માર્યો ગયો હતો જ્યારે બીજો પિન્ટુ નાલા તરફ ભાગી ગયો હતો.
જવાનોની સતર્કતાથી આતંકીઓની કોશિશ નિષ્ફળ
આ અગાઉ રવિવારે કુપવાડામાં એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ કરતી વખતે એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. પૂંચ ઉપરાંત કુપવાડામાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. આતંકીઓ ઘણીવાર ગીચ ઝાડી અને ઉબડખાબડ રસ્તાઓનો ફાયદો ઉઠાવીને રાત્રે ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે. જો કે જવાનોની સતર્કતાને કારણે તેમના પ્રયાસો નિષ્ફળ રહે છે.
ત્રણ દિવસમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાર એન્કાઉન્ટર
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવી લેવાયાની ચોથી વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી. આ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી અને એલઓસી પર પણ પેટ્રોલિંગ વધારી દેવાયું હતું. બીજી તરફ, પાકિસ્તાની આતંકીઓ આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવા માંગતા હતા. છેલ્લાં ત્રણ દિવસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાર એન્કાઉન્ટર થયા છે.
Advertisement