તેલ અવીવઃ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશી રહ્યું છે ત્યારે યુદ્ધમાં નવા મોરચા ખુલી રહ્યા છે. આતંકવાદી સંગઠન હમાસ સાથેના યુદ્ધમાં ઈઝરાયેલે ગાઝા પર તેના હવાઈ હુમલા ચાલુ રાખ્યા હતા અને રવિવારે સીરિયાના બે એરપોર્ટ અને લેબનોનમાં આતંકી સંગઠન હિઝબુલ્લાહના સ્થળો પર હવાઈ હુમલા કર્યા હતા. વધુમાં, હમાસ સામે લડતી વખતે, ઇઝરાયેલે તેના કબજા હેઠળના વેસ્ટ બેંકમાં જેનિન શરણાર્થી શિબિરમાં એક મસ્જિદ પર પણ હુમલો કર્યો. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે હમાસ અને પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદના આતંકવાદીઓ મસ્જિદ સંકુલની અંદરથી તેમની વિરુદ્ધ હુમલાની યોજના બનાવી રહ્યા હતા.
Advertisement
Advertisement
ઇઝરાયેલના સંરક્ષણ દળોએ જણાવ્યું હતું કે તેણે રવિવારે સવારે અલ-અંસાર મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઘણા હમાસ અને પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદના આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેઓ ઇઝરાયેલ પર હુમલાની યોજના બનાવવા માટે મસ્જિદ સંકુલનો કમાન્ડ સેન્ટર તરીકે ઉપયોગ કરતા હતા. ઈઝરાયેલના આ હવાઈ હુમલાને કારણે હવે વેસ્ટ બેંકમાં તણાવનું વાતાવરણ છે. આ સિવાય ઉત્તર ગાઝા બાદ હવે ઈઝરાયલે ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગમાં ખાન યુનિસ પર હુમલા શરૂ કર્યા છે. હમાસ જૂથે કહ્યું કે ઈઝરાયેલ સેનાના તાજેતરના હુમલામાં 55 લોકો માર્યા ગયા છે.
IDF અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ગાઝામાં હમાસ વિરુદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરશે. તેની સેના આ માટે તૈયાર છે. અમારી સેના છેલ્લા કેટલાક દિવસોથી ગાઝા બોર્ડર પર ટેન્ક અને હજારો સૈનિકો સાથે હમાસના 7 ઓક્ટોબરના હુમલાનો જવાબ આપવા તૈયાર છે. હવે ઓપરેશનના અનિશ્ચિત આગામી તબક્કા માટે ઇઝરાયેલી નેતાઓની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.
આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ફરી એકવાર લેબનોન સ્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહને ચેતવણી આપી છે. તેમણે કહ્યું, તમે અમારી સાથે યુદ્ધ શરૂ કરશો તો તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે. તેના લીધે લેબનોનમાં ભારે તબાહી સર્જાઈ શકે છે. ઑક્ટોબર 7 ના રોજ દક્ષિણ ઇઝરાયેલમાં હમાસ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારથી, હિઝબુલ્લાહના આતંકવાદીઓ નિયમિતપણે રોકેટ ફાયરિંગ કરી રહ્યા છે અને ઉત્તરી સરહદ પર તોપમારો કરી રહ્યા છે. ઈઝરાયેલની સેના પણ સતત વળતી કાર્યવાહી કરી રહી છે.
Advertisement