ઈસ્લામિક દેશોના વિરોધને અવગણીને ઈઝરાયેલે ગાઝા પર હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. જેની સામે હવે ઈરાને ફરી નિવેદન આપ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ કહ્યું છે કે મુસ્લિમ દેશોનું સંગઠન હોત તો ગાઝા પર ઈઝરાયેલના હુમલા રોકી શકાયા હોત. મુસ્લિમ દેશોમાં એકતા નથી એ જોઈને દુઃખ થાય છે અને ઈઝરાયેલ તેનો ફાયદો ઉઠાવી રહ્યું છે.
Advertisement
Advertisement
તેમણે વધુમાં કહ્યું કે જો મુસ્લિમ વિશ્વ એક થયું હોત તો ઇઝરાયેલની આક્રમકતા અને તેને પશ્ચિમી દેશો તરફથી મળી રહેલું સમર્થન રોકી શકાયું હોત. મુસ્લિમ જગતમાં વધુ સારું સંકલન થાય તો બહારના દેશોની દખલગીરીને રોકી શકાય. આવી સ્થિતિમાં મુસ્લિમ દેશોએ એક મંચ પર આવીને એકતા બતાવવાની અને પરસ્પર સૌહાર્દ જાળવી રાખવાની જરૂર છે. ઈરાનમાં આયોજિત કાર્યક્રમમાં રાઈસીએ ઉપરોક્ત નિવેદન આપ્યું હતું તેમાં ઈઝરાયેલના રાજદૂત પણ હાજર હતા.
રઈસી અગાઉ પણ અમેરિકાને ધમકી આપી ચૂક્યા છે
આ પહેલા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ ઈઝરાયેલને નવેસરથી ધમકી આપી હતી અને કહ્યું હતું કે હોસ્પિટલ પર હુમલા બાદ ઈઝરાયેલનો અંત શરૂ થઈ ગયો છે. પેલેસ્ટાઈનના લોકોના લોહીનું એક એક ટીપું ઈઝરાયલને તેના વિનાશની નજીક લાવી રહ્યું છે. અમેરિકા વિરુદ્ધ નિવેદન આપતા રઈસીએ વધુમાં કહ્યું કે અમેરિકા તેના ગુનાઓમાં ઈઝરાયેલની મદદ કરી રહ્યું છે. દુનિયાના લોકો પણ અમેરિકાને ગુનાઓમાં ભાગીદાર માની રહ્યા છે. ગાઝામાં રહેતા લોકો સુધી મદદ પહોંચાડી શકાય તે માટે ઈઝરાયેલે તેના હવાઈ હુમલા બંધ કરવા જોઈએ.
ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર પણ અગાઉ કહી ચુક્યા છે કે ઈઝરાયેલ ગાઝા પર હુમલા બંધ નહીં કરે તો મધ્ય પૂર્વમાં તેના ગંભીર પરિણામો આવી શકે છે.
બીજી તરફ, માહિતી સામે આવી રહી છે કે ગાઝા પટ્ટીમાં છેલ્લાં 24 કલાકમાં ઈઝરાયેલ સેનાના હવાઈ હુમલામાં 756 લોકો માર્યા ગયા છે, જે 7 ઓક્ટોબરથી ચાલી રહેલા યુદ્ધમાં એક જ દિવસમાં સૌથી વધુ મોત છે. ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 6546 લોકો માર્યા ગયા છે. છેલ્લાં 24 કલાકમાં મૃત્યુ પામનારાઓમાં 344 બાળકો પણ સામેલ છે. યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ યુદ્ધને રોકવા માટે સતત બેઠકો કરી રહી છે, પરંતુ હજુ સુધી યુદ્ધવિરામ પર સર્વસંમતિ સાધી શકાઈ નથી.
Advertisement