લોનની રકમના વળતરને લગતા વિવાદો સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યા છે પરંતુ આફ્રિકન દેશ યુગાન્ડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લોનના વિવાદને પગલે ઓફ-ડ્યુટી પોલીસ કોન્સ્ટેબલ દ્વારા 39 વર્ષીય ભારતીય વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
આ ઘટના યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં બની હતી. પીડિતને ગોળી મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રિપોર્ટ અનુસાર આ હુમલામાં માર્યા ગયેલા ભારતીય બેંકરનું નામ ઉત્તમ ભંડારી છે.
ગોળી મારનાર વ્યક્તિની ઓળખ 30 વર્ષીય ઈવાન વાબવાયર તરીકે થઈ છે. ઘટના 12 મેની છે. ઈવાનને ચોરાયેલી AK-47 રાઈફલથી ગોળી મારી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 21 લાખ શિલિંગ (46,000 રુપિયા)થી વધુની લોન ન ચૂકવવાને કારણે આ ગુનો કરવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં વાબવાયર ભંડારી પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરતો દેખાય છે. ગોળીબારની ઘટના બાદ બેંકમાં નાસભાગ મચી ગઈ હતી. આસપાસના લોકો પણ ત્યાંથી ભાગી ગયા હતા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને 13 બુલેટના શેલ જપ્ત કર્યા છે. મળતી માહિતી મુજબ, પીડિત અને આરોપ વચ્ચે રકમ પરત કરવાની બાબતે ગેરસમજ થઈ હતી. 12 મેના રોજ જ્યારે વાબવાયરને લોનની રકમ વિશે જાણ કરવામાં આવી ત્યારે તેણે ભંડારી સાથે કથિત રીતે દલીલ શરુ કરી. તેમણે કહ્યું કે આંકડો વધારીને રજૂ કરાયો છે. વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે થોડીવાર સુધી ચુપચાપ ઊભો હતો. અચાનક તેણે બંદૂક લોડ કરી અને ફાયરિંગ શરુ કર્યું.
Advertisement