વર્લ્ડ કપ-2023માં ભારતે સતત ચોથો વિજય હાંસલ કર્યો છે. પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ-2023ની 17મી મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું છે. બાંગ્લાદેશની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમે 41.3 ઓવરમાં 3 વિકેટે 261 રન બનાવીને બાંગ્લાદેશ સામે જીત મેળવી હતી. વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કરતાં સદી ફટકારી હતી. જ્યારે ઓપનિંગ કરવા આવેલા શુભમન ગિલે અડધી સદી ફટકારી હતી. આ અગાઉ બાંગ્લાદેશના કેપ્ટને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Advertisement
Advertisement
કોહલીએ સચિનનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલીએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 511 મેચોની 567 ઇનિંગ્સમાં 26,026 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 78 સદી અને 134 અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, કોહલીએ પોતાની કારકિર્દીમાં 7 બેવડી સદી પણ ફટકારી છે. આ મેચ સાથે કોહલીએ 26,000 રનનો આંકડો પાર કરી લીધો છે. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 601 ઇનિંગ્સમાં 26,000 રન નોંધાવ્યા હતા.
વિરાટ કોહલીની સદી
ભારત તરફથી વિરાટ કોહલીએ 97 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા. જ્યારે કેએલ રાહુલે 34 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 34 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 48 રન, શુભમન ગીલે 53 રન જ્યારે શ્રેયસ અય્યરે 19 રન બનાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી જ્યારે શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
બાંગ્લાદેશે ટોસ જીતીને ભારત સામે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ હસન અનફિટ હોવાના કારણે મેચ રમી શક્યા નહોતા, જો કે તેના સ્થાને નઝમુલ હસન શાંતોએ ટીમની કપ્તાની સંભાળી હતી. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગઈકાલની મેચ સહિત, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ 41 ODI મેચ રમાઈ છે, જેમાં ભારતે 32 અને બાંગ્લાદેશ 8 જીત્યા છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી.
Advertisement