ભારત અને ઈસરો આજે અંતરિક્ષની દુનિયામાં ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું મિશન ચંદ્રયાન-3 આજે સાંજે ચંદ્રની સપાટી પર ‘સોફ્ટ લેન્ડિંગ’ કરશે. આખી દુનિયા આ ક્ષણની પ્રતિક્ષા કરી રહી છે. ભારતનું ચંદ્રયાન મિશન અત્યાર સુધી તેના નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)તેના સૌથી મહત્વપૂર્ણ મિશન મૂન માટે ચંદ્રયાન-3ના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સમગ્ર દેશમાં ચંદ્રયાન-3ના લેન્ડિંગની અભૂતપૂર્વ ઘટના માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ભારતીય સમય અનુસાર સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.
Advertisement
Advertisement
ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો પ્રથમ દેશ બનશે ભારત
ચંદ્ર પર ઉતરાણ ઉપરાંત, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બનશે. આ મિશન પર રૂપિયા 600 કરોડ થી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઈસરો સાંજે 5:20 વાગ્યે તેના કેન્દ્ર પરથી લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરશે. ભારત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ સાથે ઈતિહાસ રચશે અને આવું કરનારો વિશ્વનો ચોથો દેશ બનશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગમાં સફળ થયા છે. એટલું જ નહીં, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બની શકે છે.
ઈસરોના ચેરમેન એસ સોમનાથે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ થશે. બધું બરાબર ચાલી રહ્યું છે, ક્યાંય કોઈ સમસ્યા નથી. તેથી અમને આ મિશનની સફળતાની ખાતરી છે. આજે લેન્ડર અને રોવરનું ડબલ હેલ્થ ચેકઅપ કરવામાં આવશે, જેથી લેન્ડિંગ દરમિયાન અને લેન્ડિંગ પછી કોઈ સમસ્યા ઉભી ન થાય.
લેન્ડિંગમાં વિલંબ થાય તો…
ઈસરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચંદ્રયાન મિશનમાં સફળતા નક્કી હાથ લાગશે. જો કોઈ ટેકનિકલ સમસ્યા હશે તો લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવે તેવી શક્યતા છે. રશિયા, અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશો હવે ચંદ્ર પર પહોંચવાની અને ત્યાં બેઝ બનાવવાની સ્પર્ધામાં છે. તેની પાછળનું કારણ અવકાશમાં વેપારની નવી તકો એટલે કે મૂન ઈકોનોમી છે.
‘છેલ્લી 20 મિનિટ સૌથી પડકારજનક’
ઈસરોના પૂર્વ અધ્યક્ષ જી. માધવન નાયર, સૌ કોઈ, આ મહાન ઘટનાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી ભારતીય અવકાશ કાર્યક્રમનો સંબંધ છે ત્યાં સુધી ગ્રહોની શોધખોળમાં આ સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનવા જઈ રહ્યું છે. ચંદ્રની ભ્રમણકક્ષાથી ચંદ્રની સપાટી પર મિશનના ઉતરાણની છેલ્લી 20 મિનિટ ઇતિહાસ સૌથી પડકારજનક ક્ષણો બની રહેશે.
ચંદ્રયાન 3 લાઈવ આ રીતે જોઈ શકાશે
ઈસરોની સત્તાવાર વેબસાઈટ isro.gov.in પર આ લેન્ડિંગ લાઈવ-સ્ટ્રીમ થશે. ચંદ્રયાન-3નું જીવંત પ્રસારણ દૂરદર્શનની રાષ્ટ્રીય ચેનલ સાથે ઈસરોની વેબસાઈટ, યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર નિહાળી શકાશે.
Advertisement