આજથી દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 1856.50 રૂપિયા થયા.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટી રાહત આપી છે. કંપનીઓએ 1 મેથી કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં 171.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે સ્થાનિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આની પહેલાં 1 એપ્રિલના રોજ કોમર્શિયલ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રીતે જોવામાં આવે તો કોમર્શિયલ રાંધણ ગેસના બાટલામાં બે મહિનામાં 263 રૂપિયા સસ્તો થઈ ગયો છે. દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ રાંધણ ગેસના નવા ભાવ નક્કી કરે છે.
મેટ્રો શહેરોમાં કોમર્શિયલ એલપીજીના ભાવ
આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1960.50 રૂપિયા, મુંબઈમાં 1808.50 રૂપિયા અને ચેન્નાઈમાં 2021.50 રૂપિયા થઈ છે.
1 મે 2022ના રોજ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ. 2355.50માં ઉપલબ્ધ હતો. આજે ભાવ ઘટીને રૂ.1856.50 થયો છે. એટલે કે છેલ્લા એક વર્ષમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 499 રૂપિયા સસ્તો થયો છે.
કોલકાતામાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત પહેલા 2132.00 રૂપિયા હતી, જે હવે ઘટીને 1960.50 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમત 1980 રૂપિયાથી ઘટીને 1808 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં તેના ભાવ ગયા મહિને 2192 રૂપિયાથી ઘટીને 2021 રૂપિયા થઈ ગયો છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આ વર્ષે 1 માર્ચે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયા પ્રતિ યુનિટ અને ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કર્યો હતો. આની પહેલા 1 જાન્યુઆરીએ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં યુનિટ દીઠ 25 રૂપિયાનો વધારો કર્યો હતો.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ હોટલ અને રેસ્ટોરન્ટમાં થાય છે. તેનો ઘરેલુ ઉપયોગ કરી શકાતો નથી. ઘરેલું અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડર વચ્ચે વજનમાં તફાવત છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 19 કિલો ગેસથી ભરેલો હોય છે અને જ્યારે ઘરેલું એલપીજી સિલિન્ડર 14.2 કિલો ગેસ સાથે આવે છે.
Advertisement