દિલ્હીઃ આજે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે Newsclick વેબસાઈટના પત્રકારોના ઘરો પર દરોડા પાડ્યા છે. સ્પેશિયલ સેલે વહેલી સવારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં એક સાથે દરોડા પાડ્યા છે. દરમિયાન, માહિતી સામે આવી રહી છે કે ન્યૂઝક્લિકના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થને દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ઓફિસમાં લાવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ UAPA અને અન્ય કલમો હેઠળ ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા વિવિધ સંકુલો પર દરોડા પાડી રહી છે.
Advertisement
Advertisement
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા વિવિધ સ્થળોએ દિલ્હી પોલીસના ચાલી રહેલા દરોડા UAPA અને IPCની અન્ય કલમો હેઠળ 17 ઓગસ્ટના રોજ નોંધાયેલા કેસ પર આધારિત છે. UAPA, IPC કલમ 153A (બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), IPC કલમ 120B (ગુનાહિત ષડયંત્ર)ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ચીની કંપની પાસેથી ફંડિંગનો આરોપ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક સાથે 30 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડા દરમિયાન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઘટના સ્થળેથી લેપટોપ, મોબાઈલ જેવા ઘણાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. આ ઘટનાની માહિતી આપતા પત્રકાર અભિષેક શર્માએ કહ્યું કે દિલ્હી પોલીસ મારા ઘરે પહોંચી ગઈ છે. મારું લેપટોપ અને ફોન જપ્ત કરવામાં આવ્યો છે. આ સિવાય હાર્ડ ડિસ્કનો ડેટા પણ લેવામાં આવ્યો છે. આ મામલે સ્પેશિયલ સેલે UAPA હેઠળ કેસ નોંધ્યો છે. આરોપ છે કે આ વેબસાઈટને ચીની કંપનીઓ દ્વારા ફંડ આપવામાં આવ્યું છે. આ અગાઉ દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે પણ કેસ નોંધ્યો હતો. આ સાથે EDએ પણ કાર્યવાહી કરી હતી. ત્યારે હાઈકોર્ટે ન્યૂઝક્લિકના પ્રમોટર્સને રાહત આપી હતી, પરંતુ હવે આ કેસમાં આરોપીઓની ધરપકડ થઈ શકે છે.
વિપક્ષે મોદી સરકાર પર નિશાન સાધ્યું
ન્યૂઝક્લિક સાથે સંકળાયેલી વિવિધ જગ્યાઓ પર દિલ્હી પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડા અંગે, આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે ગાંધી જયંતિ પછી, આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ અને દૂર્ભાવનાપૂર્ણ કાર્યવાહી બીજી કોઈ હોઈ શકે નહીં.
આ દરોડા અંગે કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે એવું લાગે છે કે સરમુખત્યારશાહી આવી ગઈ છે. મીડિયાની અભિવ્યક્તિ અને સ્વતંત્રતા જ નહીં પરંતુ આર્થિક અને સામાજિક રીતે પણ અંકુશ લગાવવામાં આવી રહ્યો છે.
આ દરોડા અંગે, સીપીઆઈ (એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે દિલ્હી પોલીસ અમારા ઘરે પહોંચી ગઈ છે કારણ કે અમારી પાર્ટીના સાથી અમારી સાથે રહે છે જેનો પુત્ર ન્યૂઝક્લિકમાં કામ કરે છે. આ દરોડા પાછળના કારણ વિશે કોઈ માહિતી નથી.
Advertisement