તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઇસ્લામાબાદ હાઇકોર્ટે રાહત આપી દીધી છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે આપી દીધો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે આ કેસમાં ક્રિમીનલ ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી. જોકે, ઈમરાન ખાને તેની સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આગામી આદેશ સુધી સેશન્સ કોર્ટ આ કેસમાં કોઈ સુનાવણી ન કરવાનું હાઈકોર્ટે આદેશ આપ્યો છે.
Advertisement
Advertisement
હવે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને શુક્રવારે સવારે હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે અલ-કાદિર ટ્રસ્ટ કૌભાંડ કેસમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાનની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે. આ પછી તરત જ મુક્ત કરવાનો આદેશ આપ્યો અને જામીન માટે હાઇકોર્ટમાં અપીલ કરવાનું કહ્યું હતું.
સુનાવણી બાદ ઇમરાન ઈસ્લામાબાદમાં શ્રીનગર હાઇવે પરથી જનતાને સંબોધિત કરશે. ખાનની મુક્તિ પછી તેમના સમર્થકોએ જમાન પાર્ક સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ઈમરાનની પહેલી પત્ની જેમિમા ગોલ્ડસ્મિથ પણ ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરી છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પૂર્વ પીએમને પોલીસ લાઈનના ગેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા. અસલમાં સુપ્રીમ કોર્ટે ખાનની ઘરે જવાની અપીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ સમય દરમિયાન તેમની સાથે કેદી જેવો વ્યવહાર કરવામાં આવશે નહીં. તેમના 10 સમર્થકોને પણ ઈમરાન સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા ગુરુવારે સુનાવણી દરમિયાન ઈમરાને પણ પોતાના સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
ઇમરાનની કેમ થઇ હતી ધરપકડ?
ઉલ્લેખનિય છે કે, ઇમરાનની 9 મેના રોજ ઇસ્લામાબાદ હાઈકોર્ટના બાયોમેટ્રિક રૂમમાંથી અર્ધલશ્કરી દળ દ્વારા નેશનલ એકાઉન્ટબીલીટી બ્યુરો (NAB) વોરંટ પર ધરપકડ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તેની ધરપકડને કાયદેસર ગણાવી હતી અને તેને 8 દિવસના શારીરિક રિમાન્ડ પર NABને સોંપ્યા હતા.
ખાનની અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. સરકારનો આરોપ છે કે આ 60 અબજ પાકિસ્તાની રૂપિયાનું કૌભાંડ છે. તેમાંથી 40 અબજ બ્રિટિશ સરકારે પાકિસ્તાનને આપ્યા હતા. ઈમરાન ત્યારે વડાપ્રધાન હતા, તેમણે આ વાત કેબિનેટથી પણ છુપાવી હતી.
ધરપકડ બાદ સમર્થકોએ દેશભરમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સરકારી ઓફિસો, સેનાની ઓફિસો સહિત અનેક સ્થળોએ આગચંપી અને તોડફોડ કરવામાં આવી હતી. સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 લોકો માર્યા ગયા અને 300 થી વધુ ઈજાગ્રસ્ત થયા.
બુધવારે સાંજે ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે સુપ્રીમ કોર્ટમાં ધરપકડ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. ચીફ જસ્ટિસે ખાનને એક કલાકમાં હાજર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે માત્ર 7 મિનિટમાં જ ઇમરાન ખાનને મુક્ત કરવાનો આદેશ આપી દીધો હતો.
Advertisement