દુનિયાએ કોરોના વાયરસનો આતંક જોયો છે. ત્યારબાદ અલગ અલગ દેશોમાં અન્ય પ્રકારના વાયરસ પણ જોવા મળ્યા હતા. આ જ ક્રમમાં દેશમાં કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસ ફેલાયો છે. તેમાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે અને 4 લોકો સંક્રમિત છે. આ બધા વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડીજી રાજીવ બહલે ડરાવનારા આંકડા રજૂ કર્યા છે.
Advertisement
Advertisement
અહેવાલો અનુસાર, રાજીવ બહલે કહ્યું કે નિપાહ વાયરસમાં મૃત્યુદર 40થી70 ટકાની વચ્ચે છે. આ ઉપરાંત, તેને રોકવા માટે, કેન્દ્ર સરકારે ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના 20 ડોઝ ખરીદવાનો નિર્ણય લીધો છે. ICMR ચીફે કહ્યું, “વર્ષ 2018 માં, આપણે ઓસ્ટ્રેલિયા પાસેથી મોનોક્લોનલ એન્ટિબોડીઝના કેટલાક ડોઝ લીધા હતા. હાલ આ ડોઝ માત્ર 10 દર્દીઓ માટે ઉપલબ્ધ છે. 20 વધુ ડોઝ ખરીદી રહ્યા છીએ. પરંતુ આ દવા ચેપના પ્રારંભિક તબક્કામાં આપવાની હોય છે.”
કોરોના કરતાં આટલો ખતરનાક છે નિપાહ વાયરસ
આ સિવાય ICMRના ડીજી રાજીવ બહલે કહ્યું કે આ વાયરસથી સંક્રમિત 100 લોકોમાંથી 40-70 લોકોનો જીવ જવાનો ખતરો છે. બહલે કહ્યું કે કોરોના ચેપમાં મૃત્યુ દર માત્ર 2 થી 3 ટકા હતો. નિપાહમાં સંક્રમિત લોકોનો મૃત્યુદર તેની સરખામણીમાં ખૂબ વધારે છે. મૃત્યુદર 40 થી 70 ટકા વચ્ચે છે. તેનો અર્થ એ કે મૃત્યુદરની દ્રષ્ટિએ નિપાહ વાયરસ કોરોના વાયરસ કરતા 20 ગણો વધુ ઘાતક છે. હાલ તેના સંક્રમણથી બચવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
‘માણસથી માણસમાં ફેલાય છે નિપાહ’
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે પુષ્ટિ કરતા કહ્યું કે આ વાયરસનો બાંગ્લાદેશી સ્ટ્રેન છે અને તે માણસથી માણસમાં ફેલાય છે. કેરળમાં નિપાહ વાયરસના કારણે બે લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે આ વેરિઅન્ટ આમ તો ઓછો ચેપી છે પરંતુ તેનો મૃત્યુદર વધારે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, આ વાયરસનો કોઈ ઈલાજ કે વેક્સિન નથી, તેથી તેનાથી બચવું તે જ એકમાત્ર ઉપાય છે.
ડૉ. રાજીવ બહલે નિપાહ વાયરસથી બચવા માટે સાવચેતી રાખવાની વાત કરી છે. તેમણે કહ્યું કે કોવિડ સામે જે પગલાં લેવામાં આવ્યા હતા આ બરાબર એવા જ આ પગલાં છે. તેમણે કહ્યું કે તેમાં વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવાનો સમાવેશ થાય છે.
Advertisement