ICC વર્લ્ડ કપ 2023ની મેચો જેમ જેમ રમાઈ રહી છે તેમ આશ્ચર્યમાં મકી દે તેવા પરિણામો જોવા મળી રહ્યા છે. ક્રિકેટ ચાહકોમાં પણ વર્લ્ડકપ અંગે ઉત્સાહ વધી રહ્યો છે. શનિવારે ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને વર્લ્ડ કપ અંતર્ગત અત્યાર સુધી રમાયેલી વન-ડે મેચોમાં સતત આઠમો વિજય મેળવ્યો હતો. ત્યારે અફઘાનિસ્તાને રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને વર્લ્ડ કપનો પહેલો મોટો અપસેટ સર્જ્યો હતો.
Advertisement
Advertisement
અફઘાનિસ્તાનના સુકાની હશમતુલ્લાહ શાહિદીની ટીમે 2015 બાદ ODI વર્લ્ડ કપમાં પ્રથમ જીત હાંસલ કરી હતી. આ પરાજયથી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવાની ઇંગ્લેન્ડની આશાને ચોક્કસપણે ફટકો પડ્યો છે. જોકે આ કહેવું હજુ ઘણું વહેલું ગણાશે કારણ કે ટીમની હજુ છ મેચ બાકી છે અને હવે ઇંગ્લેન્ડે તેની બાકીની તમામ મેચો જીતવી પડશે.
અફઘાનિસ્તાન-ઈંગ્લેન્ડ મેચમાં શું થયું ?
ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 49.5 ઓવરમાં 284 રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લા ગુરબાઝે 57 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 80 રનની આક્રમક ઇનિંગ રમી હતી. જ્યારે ઇકરામ અલીખિલે 58 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે ત્રણ વિકેટ ઝડપી હતી.
અફઘાનિસ્તાને વિજય માટે ઈંગ્લેન્ડ સમક્ષ 285 રનનું લક્ષ્ય મૂક્યુ. જોકે, જવાબમાં ઈંગ્લેન્ડની ઈનિંગ 40.3 ઓવરમાં 215 રને સમેટાઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડની ટીમ આ મેચ 69 રને હારી ગઈ હતી. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાને મોટો અપસેટ સર્જતાં ઈંગ્લેન્ડની મહત્ત્વની ત્રણ-ત્રણ વિકેટો ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે 10 ટીમો વચ્ચે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. લીગ રાઉન્ડમાં, એક ટીમનો મુકાબલો બાકીની નવ ટીમો સાથે થશે અને પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાય થશે. 2019માં પણ આ જ ફોર્મેટમાં વર્લ્ડ કપ રમાયો હતો ત્યારે ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતું. ભારત સાત મેચ જીત્યું હતું. આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડ માટે વધુ એક કે બે પરાજય તેના માટે સેમિફાઇનલનો રસ્તો ખૂબ મુશ્કેલ બનાવી શકે છે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાની ટીમ પર પણ આવો જ ખતરો તોળાઈ રહ્યો છે.
Advertisement