પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ભારે હોબાળો મચી ગયો છે. પ્રદર્શનકારીઓ ઘણા શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ઘણા શહેરોમાં તોડફોડ અને આગચંપીના સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન શાહબાઝ શરીફના ઘર પર પણ ઘૂસણખોરી કરીને ઘરને આગ લગાવ્યાના રિપોર્ટ સામે આવ્યા છે.
Advertisement
Advertisement
બુધવારે સવારે પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના ઘરને આગ ચાંપી દીધી છે. એટલું જ નહીં સેનાના મુખ્યાલય અને કોર્પ્સ કમાન્ડરના ઘરની પણ તોડફોડ કરીને આગને હવાલે કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં લોકોના વિરોધને જોતા આગામી 30 દિવસ માટે કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે.
શાળા-કોલેજ અને ઈન્ટરનેટ બંધ
પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગામી આદેશ સુધી શાળાઓ અને કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં સમગ્ર દેશમાં ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આજે યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.
ઉગ્ર બનેલા પ્રદર્શનકારીઓ લાહોર કેન્ટમાં કોર્પ્સ કમાન્ડર હાઉસ અને રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં પણ ઘૂસી ગયા હતા. અહીં ભીષણ તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરોધીઓએ અહીં કિંમતી સામાન પણ લૂંટી લીધો હતો.
ગૃહ યુદ્ધ જેવી બની ગઈ પરિસ્થિતિ
પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પીટીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ મુજબ લાહોર, પેશાવર, કરાચી, ગિલગિટ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ડોન સમાચાર અનુસાર, મંગળવારે વિરોધ પ્રદર્શન દરમિયાન ઈસ્લામાબાદમાં 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. ઈમરાનના સમર્થકોએ સેના અને સરકાર સામે ઓલઆઉટ વોર જાહેર કર્યું છે.
સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ
પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિને જોતા ટ્વિટર સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ પુષ્ટિ કરી કે ગૃહ મંત્રાલયના નિર્દેશો પર દેશભરમાં મોબાઇલ બ્રોડબેન્ડ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વોટ્સએપ અને ફેસબુક સહિત તમામ સોશિયલ મીડિયા સાઇટ્સને પણ બ્લોક કરી દેવામાં આવી છે.
Advertisement