આજે દેશભરમાં કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અન્ય મંત્રીઓ અને નેતાઓએ કારગીલમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું, “કારગિલ વિજય દિવસ ભારતના તે અદ્ભુત બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણાશક્તિ બની રહેશે. આ ખાસ દિવસે, હું મારા હૃદયના ઊંડાણથી તેમને નમન કરું છું અને વંદન કરું છું. જય હિંદ.”
Advertisement
Advertisement
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારક પહોંચ્યા, તેમણે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. તે પછી, દ્રાસમાં કારગિલ યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોની યાદમાં બનેલા ‘હટ ઓફ રિમેમ્બરન્સ’ મ્યુઝિયમની મુલાકાત લીધી. આ અવસરે તેમણે કહ્યું કે, દેશના જવાનોએ 1999માં ભારતની રક્ષા માટે જે બહાદુરી અને વીરતા દર્શાવી હતી તે સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. આજે આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ કારણ કે આપણા સૈનિકોએ ઝીરો ડિગ્રીથી ઓછા તાપમાનમાં ઓક્સિજનની અછત હોવા છતાં ક્યારેય તેમની બંદૂકો નીચે મૂકી ન હતી. આજે કારગિલમાં ભારતનો ધ્વજ એટલા માટે ફરકી રહ્યો છે કારણ કે 1999માં ભારતના સૈનિકોએ પોતાની બહાદુરીનો પરિચય આપતાં દુશ્મનોની છાતી પર તિરંગો ફરકાવ્યો હતો. તેમનું બલિદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
કારગિલ દિવસના અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કારગિલ શહીદ સ્મૃતિ વાટિકામાં પહોંચીને પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન, આ પહેલાના તમામ યુદ્ધોમાં અને તે પછી પણ, દેશની સરહદોનું રક્ષણ કરનારા ભારત માતાના બહાદુર સપૂતોને હું મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. નવા ભારતમાં દરેક નાગરિકને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે. આ નવા ભારતમાં આતંકવાદ માટે, નક્સલવાદ માટે કોઈ પણ રીતે કોઈ સ્થાન નથી.
કારગિલ વિજય દિવસ નિમિત્તે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પુષ્પાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લશ્કરના ચીફ જનરલ મનોજ પાંડે, ભારતીય નેવી ચીફ એડમિરલ આર. હરી કુમાર, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ કારગિલ વિજય દિવસના અવસરે, દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને કારગિલ યુદ્ધમાં બલિદાન આપનારા સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Advertisement