ઉષ્ણકટિબંધીય ચક્રવાતી તોફાન ડોક્સુરીની અસરને લીધે બેજિંગમાં સતત થઈ રહેલા ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિમાં મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે. જ્યારે 27 લોકો હજુ પણ લાપતા છે. રાજધાની બેજિંગમાં 70 વર્ષ કરતાં વધુ સમય બાદ સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સરકારી બ્રોડકાસ્ટર સીસીટીવી અનુસાર પડોશી હેબેઈ પ્રાંતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે.
Advertisement
Advertisement
મંગળવારે બપોરે રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂરના પાણીમાં ગુમ થયેલા અથવા ફસાયેલા લોકોને બચાવવા માટે મોટાપાયે શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરવા આદેશ આપ્યો હતો. બેજિંગ પૂર નિયંત્રણ અને દુષ્કાળ રાહત મુખ્યાલયે જણાવ્યું હતું કે મૃત્યુઆંકમાં મેન્ટોગુ જિલ્લામાં ચાર, ચાંગપિંગમાં ચાર, ફાંગશાનમાં બે અને હૈદિયન જિલ્લામાં એક મૃત્યુનો સમાવેશ થાય છે. સતત ભારે વરસાદને કારણે બેજિંગના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રેલવે સ્ટેશનો પર પણ પૂરના પાણી ભરાતા બેજિંગ સહિત અન્ય સ્થળોએ ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવાયું છે. ઘણી જગ્યાએ પૂરના ધસમસતા પાણીમાં મકાનો અને વાહનો તણાઈ ગયા હતા.
સીસીટીવીએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે રેલવે સ્ટેશનો બંધ કરવાની ફરજ પડી હતી. પૂર અસરગ્રસ્તોને શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો હતો. લોકોના મકાનોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે અને રસ્તા ધોવાઈ ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ટ્રેનના પાટા પણ પાણીમાં ડૂબી ગયા છે જેને લીધે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. બેજિંગમાં આ સમયે સામાન્ય રીતે માત્ર મધ્યમ વરસાદ સાથે શુષ્ક હવામાન રહેતું હોય છે. આ સ્થિતિમાં તાજેતરમાં થયેલો ભારે વરસાદ આ વિસ્તાર માટે અસાધારણ ઘટના છે.
અહેવાલો અનુસાર, ભાગ્યે જ આટલો ભારે વરસાદ પડે છે. પરંતુ આ વખતે ઉત્તર ચીન પણ ભારે વરસાદ અને પૂરના કારણે આફતનો સામનો કરી રહ્યું છે. ચીનના તાજેતરના ઈતિહાસમાં 1998માં સૌથી વિનાશક પૂર આવ્યું હતું. તે સમયે 4150 લોકોના મોત થયા હતા. આ વખતે ચીનમાં સતત ભારે વરસાદને કારણે પૂરગ્રસ્ત વિસ્તારોની શાળા-કોલેજો અને તમામ સંસ્થાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે.
Advertisement