દિલ્હી: ભારતની રાજધાની નવી દિલ્હીમાં 9 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા જી-20 શિખર સંમેલનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શુક્રવારે બપોરથી મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ શિખર સંમેલનમાં 19 દેશો અને એક યુરોપિયન યુનિયનને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, શિખર સંમેલનમાં વધુ નવ દેશોને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતનો સૌથી મોટો ઇન્ડોર હોલ એટલે કે ભારત મંડપમ વિશ્વની મહાસત્તાઓને એક મંચ પર લાવવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના રાષ્ટ્રપતિ એક જ સમયે દિલ્હીમાં એક સાથે હશે તેવું આ પહેલીવાર જ બનશે.
Advertisement
Advertisement
48 કલાક સુધી દુનિયાની નજર ભારતના પાટનગર દિલ્હી પર ટકેલી રહેશે. દિલ્હી વિશ્વનો સૌથી સુરક્ષિત વિસ્તાર હશે. સમગ્ર વિશ્વની નજર ભારત મંડપમ પર રહેશે, કારણ કે જી-20 શિખર સંમેલનમાં અગ્રણી રાષ્ટ્રાધ્યક્ષો હાજરી આપશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન જી-20માં સામેલ થવા માટે થોડા કલાકો બાદ દિલ્હી પહોંચી રહ્યા છે. એ જ રીતે દુનિયાના તમામ મોટા દેશોના વડાઓ દિલ્હી આવી રહ્યા છે. બ્રિટિશ પીએમ ઋષિ સુનાક બપોરે અને યુએસ પ્રમુખ જો બાઈડન સાંજે 6.55 કલાકે ભારત પહોંચશે.
ભારતની મુલાકાતે આવનારા નેતાઓની યાદીમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક પીએમ બન્યા બાદ પ્રથમ વખત ભારતની મુલાકાત લેશે. તમને જણાવી દઈએ કે ઋષિ સુનાક ભારતીય મૂળના છે. આ સિવાય ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ આવી રહ્યા છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ પણ જી-20માં ભાગ લેવા આવી રહ્યા છે. જી-20માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવવાના નથી, પરંતુ ચીનના વડાપ્રધાન લી કિઆંગ ભાગ લેવા ભારત આવી રહ્યા છે. આ મહેમાનોના ભવ્ય સ્વાગત માટે દિલ્હીને નવી નવોઢાની માફક શણગારવામાં આવ્યું છે અને એક અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાયું છે.
Advertisement