આસામમાં પૂરની સ્થિતિ વિકટ છે. રાજ્યના 10 જિલ્લાઓમાં લગભગ એક લાખ લોકો હજુ પણ પૂરથી અસરગ્રસ્ત છે. લોકોનું જીવન ખૂબ મુશ્કેલ બની ગયું છે. અહીં પૂરના કારણે સેંકડો ગામો પાણીમાં ડૂબી ગયા છે. લોકો પાસે રહેવા માટે ઘર નથી અને ખાવા માટે ખોરાક પણ નથી મળતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ‘રેડ’ એલર્ટ જારી કરીને આગામી પાંચ દિવસમાં આસામના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આસામમાં છેલ્લાં કેટલાંક દિવસથી સતત વરસાદને કારણે આ વર્ષે પૂરની પ્રથમ લહેર જોવા મળી રહી છે એવા સમયે આ ચેતવણી આવી છે.
Advertisement
Advertisement
ગોલાઘાટમાં સૌથી વધુ મુશ્કેલી
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના દૈનિક પૂર અહેવાલ મુજબ, રવિવારે સોનિતપુર, ચિરાંગ, દરાંગ, ધેમાજી, દિબ્રુગઢ, ગોલાઘાટ, લખીમપુર, માજુલી, શિવસાગર અને ઉદલગુરી જિલ્લાઓમાં પૂરને કારણે 98,800 થી વધુ લોકો પ્રભાવિત થયા હતા.જ્યારે ગોલાઘાટમાં સૌથી વધુ 29,000 લોકો ગંભીર અસરગ્રસ્ત છે. ત્યારબાદ ધેમાજીમાં 28,000 અને શિવસાગરમાં લગભગ 13,500 લોકો પૂરથી પીડિત છે.
બે જિલ્લામાં 17 રાહત કેમ્પ
બીજી તરફ, ASDMA અનુસાર, શનિવારે રાજ્યના 12 જિલ્લામાં પૂરથી લગભગ 1.08 લાખ લોકો પ્રભાવિત થયા હતા. વહીવટીતંત્ર બે જિલ્લામાં 17 રાહત શિબિર ચલાવી રહ્યું છે, જ્યાં 2,941 લોકોએ આશ્રય લીધો છે. આ ઉપરાંત છ જિલ્લામાં 49 રાહત વિતરણ કેન્દ્રો પણ શરુ કરવામાં આવ્યા છે.
371 ગામો પાણીમાં ગરકાવ
ASDMA બુલેટિન મુજબ, લગભગ 371 ગામો હાલ પાણીમાં ડૂબેલા છે. સમગ્ર આસામમાં 3,618.35 હેક્ટરના પાકને નુકસાન થયું છે. આ સિવાય બક્સા, બોંગાઈગાંવ, ચિરાંગ, કોકરાઝાર, લખીમપુર, નલબારી, ઉદલગુરી અને તિનસુકિયામાં મોટા પાયે ધોવાણ જોવા મળ્યું છે. બીજી તરફ અનેક ગામોની હાલત કફોડી બની છે. સોનિતપુર, ધેમાજી, ધુબરી, કોકરાઝાર, મોરીગાંવ, બોંગાઈગાંવ, ચિરાંગ, ગોલાઘાટ, લખીમપુર અને માજુલી જિલ્લામાં પૂરના પાણીથી પાળા, રસ્તા, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું છે.
નદીઓ ભયજનક સપાટીની ઉપર
ASDMA રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બ્રહ્મપુત્રા નદી ધુબરી, તેજપુર અને નેમાટીઘાટ ખાતે ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જ્યારે તેની સહાયક નદી દિખો શિવસાગરની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. બરાક ઘાટીમાં દીમા હસાઓ, કચર અને કરીમગંજ જિલ્લામાં લોંગાઈ, સિંગલા અને કુશિયારા નદીઓમાં પણ જળસ્તરમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. માર્ગેરિટામાં બુરીદેહિંગ નદી ખતરાના નિશાનથી 134 મીટર ઉપર વહી રહી છે. નાગાંવ જિલ્લામાં, કોપિલી નદી પ્રતિ કલાક 20 મીમીના ઘટાડા સાથે 60 મીટરની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.
Advertisement