અમદાવાદમાં આજથી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. 2019ના વર્લ્ડકપની વિજેતા ટીમ ઈંગ્લેન્ડ અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બપોરે બે વાગ્યાથી મેચ શરૂ થશે. આ સાથે જ ભારતમાં ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ થશે. આ મેચ અંગે ક્રિકેટ પ્રેમીઓ ભારે ઉત્સાહિત છે. મેચ અંગે દર્શકો માટે કેટલીક ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.
Advertisement
Advertisement
શું છે ગાઈડલાઈન ?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજની મેચને ધ્યાનમાં લઈને સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મેચ જોવા આવતા દર્શકોને કોઈ તકલીફ ન પડે તે માટે મેટ્રો સ્ટેશનથી સ્ટેડિયમ સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં, દર્શકો માટે એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે તે મુજબ મેચ જોવા જતા લોકો સ્ટેડિયમમાં દેશનો ઝંડો લઈ જઈ શક્શે, પણ ઝંડાની સ્ટીક લઈ જઈ શક્શે નહીં. આ ઉપરાંત, ખાણી-પીણીની ચીજવસ્તુઓ પણ સ્ટેડિયમમાં લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વધુમાં, લેઝર લાઈટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
કડક સુરક્ષા બંદોબસ્ત, સ્ટેડિયમ ખાતે કંટ્રોલ રૂમ
પોલીસ બંદોબસ્ત વિશે માહિતી આપતા DCP કંટ્રોલ કોમલ વ્યાસે જણાવ્યું કે 3 એડી. CP, 13 DCP, 18 ACP, 56 PI, 117 PSI, 3500 પોલીસ, 1 SRP કંપની, 500 હોમગાર્ડ સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આ ઉપરાંત, 2000 સીસીટીવી કેમેરા, 700 થી 1000 બોડી વોર્ન કેમેરા દ્વારા સ્ટેડિયમ અને સ્ટેડિયમ બહાર તેમજ શહેરમાં ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત BDDS ની 9 ટીમો તેમજ સ્નીફર ડોગ સ્કવોડની પણ મદદ લેવામાં આવી રહી છે. સમગ્ર સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન કરવા માટે સ્ટેડિયમ ખાતે મીની કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. 50 (DFMD) ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, 200 (HMMD) હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર પણ સ્ટેડિયમમાં લગાવવામાં આવ્યા છે. 1 એન્ટી ડ્રોન સિસ્ટમ અને 5 QRT કવીક રિસ્પોન્સ ટિમ સતત સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે.
થોડાક ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો : પોલીસ કમિશનર
અમદાવાદમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પહેલી મેચમાં અગાઉ આઈપીએલમાં જેવી વ્યવસ્થા હતી તે મુજબ જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ત્રણ એડીશનલ કમિશનર, 18 એસીપી, 13 ડીસીપી તેમજ કોન્સટેબલથી લઈને 3 હજાર જેટલા પોલીસના જવાનો સહિત 500 હોમગાર્ડ ખડપગે રહેશે. શહેરના પોલીસ કમિશનરે માહિતી આપી હતી કે મેચને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને અમુક ટ્રાફીકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેની માહિતી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તેમજ વેબસાઈટ પર મુકવામાં આવી છે.
Advertisement