તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર શનિવારે વહેલી સવારે ટ્રેનના ડબ્બામાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 મુસાફરોના મોત થયા હતા. આગ દરમિયાન 20 અન્ય મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. દક્ષિણ રેલ્વેએ અકસ્માતનું કારણ ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલા ગેસ સિલિન્ડરને ગણાવ્યું છે. આ દરમિયાન મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
Advertisement
Advertisement
મળતી માહિતી મુજબ જે કોચમાં આગ લાગી તે પ્રાઈવેટ પાર્ટી કોચ એટલે કે આખો કોચ કોઈ વ્યક્તિ દ્વારા બુક કરવામાં આવેલો કોચ હતો. તેમાં સવાર મુસાફરો ઉત્તર પ્રદેશના લખનૌથી મદુરાઈ પહોંચ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ, આગને કાબૂમાં લેવાના પ્રયાસોમાં રોકાયેલા ફાયર બ્રિગેડ, રેલ્વે કર્મચારીઓ અને બચાવ કર્મચારીઓએ કોચમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
ટ્રેન રામેશ્વરમ જઈ રહી હતી
પ્રાથમિક માહિતી મુજબ ટ્રેન રામેશ્વરમ જઈ રહી હતી. તેનું નામ પુનાલુર મદુરાઈ એક્સપ્રેસ જણાવવામાં આવી રહ્યું છે. આગ લાગી તે કોચમાં મોટાભાગના મુસાફરો લખનૌથી સવાર હતા. જીવ ગુમાવનારા મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશના જ છે. આગ લાગવાની ઘટનાની માહિતી સવારે 5.15 વાગ્યાની આસપાસ મળી હતી. તે સમયે ટ્રેન મદુરાઈ યાર્ડ જંકશન પર રોકાયેલી હતી. સવારે 7.15 કલાકે આગને કાબૂમાં લેવામાં આવી હતી. ટ્રેનના અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી.
અકસ્માતનું કારણ ગેસ સિલિન્ડર
મળતી માહિતી મુજબ તે એક પ્રાઈવેટ પાર્ટીનો કોચ હતો. આ કોચને 25 ઓગસ્ટના રોજ નાગરકોઈલ જંક્શન પર ટ્રેન નંબર 16730 (પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસ) સાથે જોડવામાં આવ્યો હતો. કોચને અલગ કરીને મદુરાઈ રેલવે સ્ટેશન પર રાખવામાં આવ્યો હતો. આ કોચમાં મુસાફરો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લાવ્યા હતા. તેના કારણે જ આગ લાગી હતી. આગ લાગવાનો અણસાર આવતા ઘણાં મુસાફરો કોચની બહાર નીકળી ગયા હતા. કેટલાંક મુસાફરો પ્લેટફોર્મ પર જ ઉતરી ગયા હતા.
યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મદુરાઈ ટ્રેન દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી યોગીએ યુપીમાં ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. મુખ્યમંત્રીએ રેલવે મંત્રી સાથે ફોન પર વાત કરી છે. યુપી સરકારે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.
Advertisement