જમ્મુ-કાશ્મીરના કુલગામમાં થયેલી અથડામણમાં સેનાએ અલ બદર નામના આતંકવાદી સંગઠનના એક સ્થાનિક આતંકવાદીને ઠાર માર્યો છે. અથડામણ શરૂ થયા પછી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અથડામણ સ્થળેથી પોલીસને હથિયારો સહિત ઘણી ચીજવસ્તુઓ મળી આવી છે.
Advertisement
Advertisement
એક પોલીસકર્મી ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આજે ઓપરેશન દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો. તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. એક અધિકારીએ જણાવ્યું કે હુવરા ગામમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળ્યા બાદ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે સુરક્ષાદળો તે સ્થળે પહોંચ્યા ત્યારે અચાનક તેમના પર ગોળીબાર શરૂ થઈ ગયો હતો. સુરક્ષા દળોએ વળતી કાર્યવાહી કરીને એક આતંકીને ઠાર માર્યો હતો. આ દરમિયાન ફાયરિંગમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો.
અસરગ્રસ્ત વિસ્તારમાં જનજીવન પણ પ્રભાવિત થયું
આ અથડામણના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયેલો છે. હાલ અસરગ્રસ્ત વિસ્તારમાં સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે. આગળના દિવસે એટલે કે 26 જૂને કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ આતંકવાદ સાથે સંકળાયેલા એક કેસની તપાસમાં જમ્મુ-કાશ્મીરના ચાર જિલ્લામાં અડધા ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન NIAના અધિકારીઓએ મહત્વપૂર્ણ દસ્તાવેજોની તપાસ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે NIAએ ખીણપ્રદેશના બાંદીપોરા, કુલગામ, પુલવામા અને શોપિયાં જિલ્લામાં દરોડા પાડ્યા હતા.
અગાઉ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો
તાજેતરમાં સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. કુપવાડાના માછલ સેક્ટરના કાલા જંગલ વિસ્તારમાં પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના થોડાં દિવસો બાદ આ આતંકવાદ વિરોધી કામગીરી કરવામાં આવી છે.
Advertisement