અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઈડને પીએમ મોદી સાથે એલેક્ઝાન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે શિક્ષણ એ ભારત-અમેરિકા સંબંધોનો આધાર છે. વધુમાં, તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીનું અમેરિકામાં સ્વાગત છે. આ સત્તાવાર મુલાકાત સાથે, અમે વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહીને એકસાથે લાવી રહ્યા છીએ. પરંતુ અમારો સંબંધ માત્ર સરકારો વચ્ચેનો નથી, અમે પરિવારો અને અમારા બે દેશો વચ્ચે મિત્રતાની ઉજવણી કરી રહ્યા છીએ. યુએસ-ભારત ભાગીદારી ઊંડી અને વ્યાપક છે કારણ કે અમે સંયુક્ત રીતે વૈશ્વિક પડકારોનો સામનો કરીએ છીએ. શિક્ષણ એક એવો મુદ્દો છે જે તમારા (વડાપ્રધાન મોદી) અને મારા હૃદયની નજીક છે. તમામ ભારતીયો ખાસ કરીને છોકરીઓને તેમનું શિક્ષણ ચાલુ રાખવાની તક મળે જેથી તેઓ આધુનિક કાર્યબળ માટે પૂરતું શિક્ષણ મેળવી શકે તે સુનિશ્ચિત કરવા માટે પીએમ મોદી કામ કરે છે
Advertisement
Advertisement
સમારોહને સંબોધતા અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડને વધુમાં જણાવ્યું કે આપણે આપણી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માંગતા હોઈએ તો આપણે યુવાનોમાં રોકાણ કરવાની જરૂર છે જેઓ આપણું ભવિષ્ય છે. તેઓ જે તકો માટે હકદાર છે તે તકો તેમની પાસે હોય એ આપણે સુનિશ્ચિત કરવાની જરૂર છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના બંધનનો આધાર શિક્ષણ છે. બંને દેશોના વિદ્યાર્થીઓ એકબીજા સાથે શીખી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. ખભેખભા મિલાવીને કામ કરતા, આપણા રાષ્ટ્રો સૌને માટે એક સુરક્ષિત, સ્વસ્થ, વધુ સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે.
યુએસમાં વર્જિનિયાના એલેક્ઝાન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કારણ કે મને અહીં આવતાની સાથે જ આટલા યુવા અને સર્જનાત્મક લોકો સાથે જોડાવાની તક મળી છે. જીલ બાઈડને આટલી વ્યસ્તતા હોવા છતાં આ કાર્યક્રમનું આયોજન કર્યું, તેના માટે હું આભારી છું. આપણી વર્તમાન અને ભાવિ પેઢીઓનું વધુ સારું ભવિષ્ય સુનિશ્ચિત કરવાની આપણા સૌની જવાબદારી છે, આ ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ, સ્કીમ, ઈનોવેશન જરૂરી છે અને ભારતમાં અમે તે દિશામાં ઘણાં પ્રયાસ કર્યા છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે 2015માં, અમે ભારતની સંસ્થાઓ સાથે વિશ્વભરમાં ફેલાયેલા વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોના સંબંધને વધારવા માટે GIAN (ગ્લોબલ ઇનિશિયેટિવ ઑફ એકેડેમિક નેટવર્ક્સ) અભિયાન શરૂ કર્યું હતું. મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં અમેરિકાથી 750 ફેકલ્ટી મેમ્બર તે અંતર્ગત ભારત આવ્યા છે. હું અમેરિકામાં શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સેવા આપતા અને નિવૃત્ત લોકોને વિનંતી કરીશ કે તેઓ તેમની રજાઓ ખાસ કરીને શિયાળાની રજાઓ ભારતમાં વીતાવે અને ભારતને ઓળખે, તેમજ ભારતની નવી પેઢી સાથે તેમનું જ્ઞાન શેર કરે.
Advertisement