ઉત્તરાખંડના ચાર ધામ મંદિરોમાં તીર્થયાત્રીઓનો ધસારો તેમની ક્ષમતા કરતાં અનેક ગણો વધારે હોવાનું પોલીસ મહાનિદેશક અશોક કુમારે બુધવારે જણાવ્યું હતું. તેમણે શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે તેઓ મંદિરોની મુલાકાતે ન આવે કારણ કે આ યાત્રા આગામી નવેમ્બર સુધી ચાલુ રહેશે.
Advertisement
Advertisement
કેદારનાથ મંદિર 25 એપ્રિલે ખુલ્યું ત્યારથી છ લાખથી વધુ યાત્રાળુઓએ તેની મુલાકાત લીધી છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયના જણાવ્યા અનુસાર, બદ્રીનાથ મંદિર 27 એપ્રિલે ખુલ્લું મુકવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા છે. અજયે પીટીઆઈને જણાવ્યું હતું કે, “સરેરાશ 20,000 થી વધુ શ્રદ્ધાળુઓ દરરોજ કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લઈ રહ્યા છે. તે સંખ્યા પ્રતિદિન આશરે 10,000 હોવી જોઈએ.”
કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, “હાલ ચાર ધામ મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ધસારો તેમની ક્ષમતા કરતા અનેક ગણો વધારે છે. તેના કારણે તમામ પ્રકારની અસુવિધા થઈ રહી છે. ટ્રાફિક વ્યવસ્થાપન મુશ્કેલ બની ગયું છે. મંદિરો સુધીના ટ્રેક રૂટ ઘણીવાર જામ થઈ જાય છે અને યાત્રાળુઓ સરળતાપૂર્વક ‘દર્શન’ કરી શકતા નથી.
કુમારે ઉમેર્યું કે શ્રધ્ધાળુઓ એવું માને છે કે ચાર ધામ યાત્રા ફક્ત મે – જૂન મહિનાઓ માટે જ હોય છે. કુમારે કહ્યું.”હું તેમને કહેવા માંગુ છું કે આ યાત્રા નવેમ્બરના બીજા અઠવાડિયા સુધી ચાલશે. સપ્ટેમ્બરના મધ્ય પછી મંદિરોની મુલાકાત લેવી એ યાત્રા માટેનો આદર્શ સમય છે કારણ કે હવામાન સારું હોય છે. તેથી યાત્રાળુઓ અસુવિધા ટાળવા માટે મંદિરોની મુલાકાત લેવાનું હાલ પૂરતું ટાળી શકે છે.”
તેમણે હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણાથી ગંગોત્રી અને યમુનોત્રી આવવા માટે નીકળતા તીર્થયાત્રીઓને પણ મસૂરી રુટ ન લેવા જણાવ્યું હતું. આ રુટ પર વારંવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. મસૂરીનો રુટ લેવાને બદલે, આ રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓએ વિકાસનગર, નૈનબાગ અને દમતા થઈને જવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પણ તીર્થયાત્રીઓને અપીલ કરી છે કે તેઓ હવામાન અપડેટ્સ મેળવ્યા પછી જ ચાર ધામ મંદિરોની યાત્રા માટે આગળ વધે. જેથી તેઓને રસ્તામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
હવામાન કચેરી દ્વારા મંગળવારે ત્રણ દિવસ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જારી કરાયું હતું. તેમાં અનેક સ્થળોએ ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી હતી.
Advertisement