રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી અને ધરપકડની માંગ સાથે મહિલા કુસ્તીબાજોએ મોરચો માંડ્યો છે. તેમણે રસ્તા પર વિરોધ કરવાને બદલે કોર્ટ દ્વારા લડત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.
Advertisement
Advertisement
દરમિયાન, બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણી, છેડતીના આરોપમાં દિલ્હી પોલીસ દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. દિલ્હી પોલીસે ચાર્જશીટમાં કહ્યું છે કે છ કુસ્તીબાજોની ફરિયાદોની અત્યાર સુધીની તપાસના આધારે WFIના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કેસ ચલાવી શકાય તેમ છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે બ્રિજભૂષણ જાતીય સતામણી, છેડતી અને પીછો કરવા જેવા ગુના માટે કાનૂની કાર્યવાહી ચલાવવા માટે અને સજા મેળવવાને પાત્ર છે.
મીડિયા અહેવાલો અનુસાર, 13 જૂનની ચાર્જશીટમાં કલમ 506 (ગુનાહિત ધાકધમકી), 354 (મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી), 354A (જાતીય સતામણી) અને 354D (પીછો કરવો) લાગુ કરતી વખતે એમ પણ કહેવામાં આવ્યું છે કે એક કેસમાં બ્રિજભૂષણ દ્વારા સતત સતામણી ચાલુ રહી હતી.
2012માં રસ્તો રોકવાનો કે પીછો કરવાનો કેસ
દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ, બ્રિજભૂષણ સામે પીછો કરવાનો અથવા રસ્તો રોકવાનો કેસ છે. આ કેસ 2012નો છે. જેમાં ફરિયાદ કરનારી મહિલા કુસ્તીબાજે જણાવ્યું હતું કે બ્રિજભૂષણે ટૂર્નામેન્ટ દરમિયાન તેની માતા સાથે વાતચીત કરી હતી અને તેને પોતાના રૂમમાં બોલાવીને તેને ગળે લગાવી હતી. જ્યારે મહિલા કુસ્તીબાજ ઘરે પરત આવી તો તેણે તેની માતાના નંબર પર અલગ-અલગ બહાને ઘણી વખત ફોન કરવાનું શરૂ કર્યું. મહિલા કુસ્તીબાજે એવો પણ દાવો કર્યો હતો કે બ્રિજભૂષણના કોલ ટાળવા માટે તેને પોતાનો ફોન નંબર પણ બદલવો પડ્યો હતો. જો કે, આ આરોપોને સાબિત કરવા માટે કોઈ ટેકનિકલ પુરાવા મળ્યા નથી.
પોલીસ તપાસમાં આરોપીની હાજરીના પુરાવા મળ્યા
પુખ્ત કુસ્તીબાજોના કેસમાં પોલીસે CrPCની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ કુસ્તીબાજોએ આપેલા નિવેદનને ચાર્જશીટનો મુખ્ય આધાર ગણ્યો છે. પોલીસે કહ્યું કે પુખ્ત કુસ્તીબાજોએ તેમની સામે જે જગ્યાએ તેમની સાથે જાતીય સતામણી થઈ હોવાનો આરોપ લગાવ્યો છે ત્યાં આરોપીની હાજરીના પુરાવા મળ્યા છે.
પોલીસને ફોટોગ્રાફ્સ અને ડિજિટલ પુરાવા આપ્યા
કુસ્તીબાજોએ તપાસ દરમિયાન પોલીસને પુરાવા તરીકે પાંચ ફોટોગ્રાફ્સ આપ્યા છે. આ ઉપરાંત અન્ય ડિજિટલ પુરાવા પણ આપવામાં આવ્યા હતા. આ પુરાવા પેન ડ્રાઈવમાં કોર્ટને સોંપવામાં આવ્યા છે. ચાર્જશીટમાં લગભગ 25 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. 7 સાક્ષીઓએ પીડિત પુખ્ત કુસ્તીબાજોના આરોપોને સમર્થન આપ્યું છે. બાકીના આરોપીઓની તરફેણમાં બોલ્યા છે. ટ્રાયલ દરમિયાન તેની ઉલટતપાસ કરવામાં આવશે.
દરમિયાન, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજ ભૂષણ અને સચિવ વિનોદ તોમરને 18 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે. આ અંગે બ્રિજ ભૂષણે કહ્યું હતું કે તે કોર્ટમાં હાજર થશે. તેને કોર્ટમાં હાજર રહેવામાંથી કોઈ છૂટ મેળવવી નથી.
Advertisement