દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવ અને રેલવેના પૂર્વ અધિકારીઓ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ સમન્સ જારી કર્યા છે. લાલુ પ્રસાદ યાદવ પર તેઓ રેલવે મંત્રી હતા ત્યારે રેલવે ભરતીમાં ગોટાળાનો આરોપ છે. આ કેસમાં જ કોર્ટે સમન્સ જારી કર્યા છે.
Advertisement
Advertisement
આ કેસમાં લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવની સુનાવણી 21 સપ્ટેમ્બરે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં થવાની હતી. પરંતુ, સુનાવણી ટાળી દેવામાં આવી હતી અને હવે આ સુનાવણી આજે એટલે કે 22 સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે. સુનાવણીમાં ચાર્જશીટ સ્વીકાર્ય છે કે નહી તે નક્કી કરવામાં આવશે. અગાઉ આ કેસની સુનાવણી 8 ઓગસ્ટના રોજ થવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી, સુનાવણીની તારીખ 12 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. તેને કોર્ટે 21 સપ્ટેમ્બર પર મુલતવી રાખી હતી.
શું છે લેન્ડ ફોર જોબ કૌભાંડ ?
2004 થી 2009 ની વચ્ચે લાલુ પ્રસાદ યાદવ યુપીએ સરકારમાં રેલ્વે મંત્રી હતા. એવું માનવામાં આવે છે કે જ્યારે લાલુ રેલવે મંત્રી હતા ત્યારે નોકરીના બદલામાં અરજદારો પાસેથી જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. સીબીઆઈએ આ મામલાની તપાસ કર્યા બાદ લાલુ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી મીસા ભારતી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આરોપ છે કે જે જમીનો લેવામાં આવી હતી તે રાબડી દેવી અને મીસા ભારતીના નામે પણ લેવામાં આવી હતી.
અગાઉ 15મી માર્ચે જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ યાદવ, મીસા ભારતી અને રાબડી દેવીના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે રૂ.50 હજારના જાતમુચરકા પર જામીન મંજૂર કર્યા હતા. કેસની સુનાવણી કરતાં કોર્ટે કહ્યું હતું કે CBIએ ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ દાખલ કરી છે.
ઉલ્લેખનીય છે કે શનિવાર 11 માર્ચ, 2023ના રોજ EDએ લાલુ યાદવ અને તેમના પરિવારના દિલ્હી – એનસીઆર, પટણા, મુંબઈ અને રાંચીમાં 24 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા નોકરી માટે જમીનના મામલે પાડવામાં આવ્યા હતા.
Advertisement