આજે દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના તમામ કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વૃંદાવન, મથુરા અને ઈસ્કોનના મંદિરોને ખાસ શણગારવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણના જગતમંદિર દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ વિશેષ આરતી અને દર્શનનું આયોજન કરાયું હતું. આ તમામ મંદિરોએ વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. દ્વારકામાં મંગળા આરતી બાદ ભગવાન દ્વારિકાધીશના ખૂલ્લા પડદે દર્શનનો કૃષ્ણ ભક્તોએ લાભ લીધો હતો. આ ઉપરાંત, રાજ્યના અન્ય કૃષ્ણ મંદિરોમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિરોને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યા છે.
જન્માષ્ટમીના અવસર પર આજે વહેલી સવારે નોઈડાના ઈસ્કોન મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી હતી. મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે.
શાસ્ત્રો અનુસાર યોગેશ્વર શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, મધ્યરાત્રિ, વૃષભ રાશિ અને બુધવારે થયો હતો. આ વખતે 6 અને 7 સપ્ટેમ્બર એમ બે દિવસ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે.
જન્માષ્ટમીનો તહેવાર બે દિવસ સુધી ઉજવવામાં આવે છે. પ્રથમ દિવસે, ગૃહસ્થો કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવે છે જ્યારે બીજા દિવસે વૈષ્ણવ સંપ્રદાયના લોકો કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવે છે. મથુરા, વૃંદાવન સહિત અનેક કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. જો આજની વાત કરીએ તો 12.02 થી 12.48 સુધી શુભ સમય બની રહ્યો છે.
જન્માષ્ટમીનો તહેવાર રાત્રે શા માટે ઉજવવામાં આવે છે?
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ મધ્યરાત્રિએ થયો હતો. આ કારણથી દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો.
કાન્હાનું બાળપણ માખણ અને મિસરી ખાવામાં વીત્યું હતું. આજે પણ લોકો લડ્ડુ ગોપાલને એ જ ભોગ ચઢાવે છે. આ એક સંકેત છે કે આપણો આહાર સારો, શુદ્ધ અને પૌષ્ટિક હોવો જોઈએ.
Advertisement