દિલ્હીઃ ભારતમાં આવતા અઠવાડિયે જી-20 શિખર સંમેલન યોજાવાનું છે. તેમાં ઘણાં દેશોના નેતાઓ હાજરી આપવાના છે. હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જી-20 સમિટમાં ભાગ લેશે નહીં. પરંતુ, તેમના સ્થાને ચીનના વડાપ્રધાન લી કિઆંગ ભાગ લેશે તેવી શક્યતા છે. અગાઉ યુક્રેન યુદ્ધના કારણે રશિયાના પ્રમુખ પુતિને પણ સમિટમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો.
Advertisement
Advertisement
પીએમ લી કિઆંગ ભાગ લે તેવી શક્યતા
હકીકતે માત્ર બે દિવસ પહેલા જ ચીને પોતાનો નવો નકશો બહાર પાડ્યો હતો અને અરુણાચલ પ્રદેશ અને અક્સાઈને ચીનનો ભાગ જાહેર કરીને તેની વિસ્તારવાદી નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો. ભારતે ચીનના આ નકશાને નકારી કાઢ્યો ત્યારે ચીને પોતાની ભૂલ સ્વીકારવાને બદલે સલાહ આપવાનું શરૂ કરી દીધું. ચીનના એક રાજદ્વારી અને અન્ય એક જી-20 દેશની સરકાર માટે કામ કરતા અધિકારીના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીમાં બે દિવસીય જી-20 સમિટમાં બેજિંગનું પ્રતિનિધિત્વ કરતી વખતે ચીની પ્રીમિયર લી કિઆંગ શી જિનપિંગનું સ્થાન લે તેવી શક્યતા છે.
જી-20 સમિટમાં ભાગ ન લેવાનું કારણ
ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે શી જિનપિંગના સ્થાને ભાગ લેવા માટે ચીનના વડા પ્રધાન ભારત આવશે. બીજી તરફ, ચીની અધિકારીઓએ કહ્યું છે કે તેમને જી-20 સમિટમાં શી જિનપિંગની ગેરહાજરી પાછળના કારણની ખબર નથી. તમામ અધિકારીઓએ તેમના નામ ન આપવાની શરતે વાત કરી હતી કારણ કે તેમને મીડિયા સાથે વાત કરવા માટેની સત્તા ન હતી.
અગાઉ પુતિને પણ ભારત આવવાનો ઈનકાર કર્યો હતો
આ પહેલા પુતિને જી-20 સમિટ માટે ભારત આવવાની ના પાડી દીધી હતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે સપ્ટેમ્બરમાં જી-20 સમિટ માટે ભારત આવવાની પુતિનની કોઈ યોજના નથી. હાલ તેમનું મુખ્ય ધ્યાન ‘સ્પેશિયલ મિલિટરી ઓપરેશન્સ’ પર છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરી 2022થી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.
Advertisement