ચીને કાશ્મીર માં G-20 બેઠક યોજવાનો વિરોધ દર્શાવ્યો છે. તો બીજી તરફ તુર્કી અને સાઉદી અરેબિયાએ પણ શ્રીનગરમાં યોજાનાર કાર્યક્રમ માટે નોંધણી કરાવી નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને શુક્રવારે કહ્યું કે ચીન “વિવાદિત” વિસ્તારોમાં કોઈપણ સ્વરૂપમાં G-20 બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે અને આવી બેઠકોમાં ભાગ લેશે નહીં.
Advertisement
Advertisement
ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો
સાથે જ ભારતે પણ ચીનને સત્ય સંભળાવતા જવાબ આપી દીધો છે. ભારતે કહ્યું કે તે તેના ક્ષેત્રમાં બેઠકો યોજવા માટે સ્વતંત્ર છે. તે ઉપરાંત ભારતે કહ્યું કે ચીન સાથે સામાન્ય સંબંધો માટે તેની સરહદ પર શાંતિ-સલામતી જરૂરી છે.
ત્રીજી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક 22થી 24 મે દરમિયાન કડક સુરક્ષા વચ્ચે શ્રીનગરમાં યોજાશે. જમ્મુ કાશ્મીર પાસે રહેલા વિશેષ દરજ્જાને 2019માં નાબૂદ કરી દેવામાં આવ્યો હતો. તે દરમિયાન તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત પણ કરવામાં આવ્યો હતો. તે સમયથી લઈને અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં કોઈપણ મોટી બેઠક યોજાઇ નથી પરંતુ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય લેવલની G20 સમિટ શ્રીનગરમાં યોજાવા જઈ રહી છે.
શ્રીનગરમાં યોજાનારી બેઠકમાં G20 દેશોના લગભગ 60 પ્રતિનિધિઓ ભાગ લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અગાઉ એવી અપેક્ષા હતી કે 100થી વધુ પ્રતિનિધિઓ બેઠકમાં ભાગ લેશે. સૂત્રોનું કહેવું છે કે તુર્કીએ આ બેઠકથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે અને સાઉદી અરેબિયાએ હજુ આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી છે.
કડક સુરક્ષા ઘેરા હેઠળ શ્રીનગર
શ્રીનગર સંપૂર્ણ સુરક્ષા ઘેરામાં લઈ લેવામાં આવ્યું છે. દરિયાઈ કમાન્ડો અને નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ને જમીનથી હવાઈ સુરક્ષા કવચ ના ભાગ રૂપે આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. મરીન જેને MARCOS તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC), દાલ લેક, G20 મીટિંગના સ્થળની આસપાસ સુરક્ષા સંભાળી લીધી છે.
NSG કમાન્ડો આ વિસ્તારમાં પોલીસ અને અર્ધલશ્કરી દળો સાથે કવાયત કરી રહ્યા છે. ગુરુવારે NSGએ લાલ ચોકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
Advertisement