હરિયાણાના નૂંહમાં હિંસા બાદ પરિસ્થિતિ હજુ પણ તંગ છે, આ દરમિયાન જિલ્લા પ્રશાસને ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું છે. આજે અહીં SHKM સરકારી મેડિકલ કોલેજ પાસેની ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી હતી, સાથે જ ગેરકાયદે દબાણ પણ ખાલી કરાવવામાં આવ્યું હતું. આજે સવારે નૂંહ પ્રશાસનની એક ટીમ નલહર મંદિર તરફ જતા રોડ પર આવેલી હોસ્પિટલની સામે પહોંચી હતી અને ત્યાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. હિંસા બાદ નૂંહ જિલ્લામાં સતત બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
40 ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ચલાવાયું
મળતી માહિતી મુજબ જિલ્લા ટાઉન પ્લાનર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 40થી વધુ ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી છે. આ એ જ જગ્યા છે જ્યાં 31 જુલાઇએ હિંસા ફાટી નીકળ્યા બાદ વાહનોમાં આગ લગાવવામાં આવી હતી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નૂંહના ડિસ્ટ્રિક્ટ ટાઉન પ્લાનરના જણાવ્યા અનુસાર, નલહર રોડ પર 45થી વધુ ગેરકાયદેસર કોમર્શિયલ દુકાનો તોડી પાડવામાં આવી રહી છે.
હરિયાણા પ્રશાસન નૂંહ જિલ્લામાં SHKM સરકારી મેડિકલ કોલેજ પાસે ગેરકાયદે બાંધકામ દૂર કરી રહ્યું છે. ઘટનાસ્થળ પર હાજર એસડીએમ અશ્વિની કુમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ કાર્યવાહી મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નિર્દેશ પર કરવામાં આવી છે. આ દબાણ 2.5 એકરમાં ફેલાયેલું હતું. આ બધું ગેરકાયદે બાંધકામ હતું, જાણવા મળ્યું છે કે આમાંના કેટલાક લોકો તાજેતરની અથડામણમાં પણ સામેલ હતા.
200 થી વધુ ઝૂંપડા પર પણ બુલડોઝર ચલાવાયું
પોલીસે રોહિંગ્યાઓ અને ગેરકાયદે ઘૂસણખોરોના ગેરકાયદે કબજા પર બુલડોઝર ચલાવ્યું છે. મળતી માહિતી મુજબ આ રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. પોલીસે બુલડોઝરથી 200થી વધુ ઝૂંપડા તોડી પાડયાં છે. લગભગ ચાર કલાક બુલડોઝરની કાર્યવાહી ચાલી હતી. કહેવાય છે કે બાંગ્લાદેશના ઘણાં લોકો આ ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદેસર રીતે રહે છે, તેમાંથી ઘણાં હિંસામાં પણ સામેલ હતા.
Advertisement