દિલ્હી: ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજો દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના મામલાની તપાસ માટે દિલ્હી પોલીસે 5 દેશોની મદદ માંગી છે. દિલ્હી પોલીસે આ પાંચ દેશોના રેસલિંગ ફેડરેશનને પત્ર લખીને વીડિયો અને ફોટો વગેરેની માહિતી માંગી છે. કુસ્તીબાજોએ ઇન્ડોનેશિયા, બલ્ગેરિયા, કઝાકિસ્તાન, મંગોલિયા અને કિર્ગિસ્તાનમાં યોજાયેલી ટૂર્નામેન્ટ દરમિયાન WFI પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે આ દેશોના રેસલિંગ ફેડરેશન પાસેથી ટૂર્નામેન્ટના વીડિયો ફૂટેજની માંગ કરી છે.
Advertisement
Advertisement
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ દેશોના રેસલિંગ ફેડરેશન પાસેથી માંગવામાં આવેલી માહિતી 15 જૂન સુધી ઉપલબ્ધ થઈ શકશે નહીં. 15 જૂન સુધીમાં દિલ્હી પોલીસ આ મામલે પોતાનો રિપોર્ટ દાખલ કરશે. હવે પોલીસ 15 જૂન પછી વિદેશથી મળેલી વિગતો પૂરક ચાર્જશીટમાં દાખલ કરી શકશે.
પોલીસ કમિશનરે સમીક્ષા બેઠક યોજી
પોલીસ કમિશનર સંજય અરોરાએ સોમવારે સ્પેશિયલ કમિશનર સાગરપ્રીત હુડા અને ડીસીપી પ્રણવ તાયલ અને મનીષી ચંદ્રા સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર અનેક દેશોમાં યોજાયેલી ટૂર્નામેન્ટ દરમિયાન જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
4 જુલાઈએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી આગામી 4 જુલાઈના રોજ યોજાશે. WFIએ સોમવારે ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. જમ્મુ – કાશ્મીર હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મહેશ મિત્તલ કુમારને આ ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બ્રિજભૂષણ શરણ સિંહ સતત ત્રણ ટર્મથી ફેડરેશનના પ્રમુખ રહ્યા છે. જેના કારણે તે આ વખતે ચૂંટણી લડી શકશે નહીં.
Advertisement