નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુરુવારે દિલ્હી વટહુકમ પછી ચૂંટણી કમિશનરની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણયને ફેરવી નાખવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગી સાથે સંબંધિત એક બિલ રાજ્યસભામાં રજૂ કર્યું. આ બિલ અનુસાર વડાપ્રધાનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિ ચૂંટણી કમિશનરોની નિમણૂકની ભલામણ કરશે. પરંતુ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયામાંથી બહાર રાખવા અંગે વિપક્ષે હોબાળો મચાવી દીધો છે. બીજી તરફ, આ બિલથી કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે નવેસરથી ઘર્ષણ વધી જાય તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા બિલ મુજબ વડાપ્રધાનની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની પસંદગી કરશે. આ સમિતિની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવશે. આ સમિતિમાં વડાપ્રધાન ઉપરાંત લોકસભામાં વિપક્ષના નેતા અને એક કેબિનેટ મંત્રીનો સમાવેશ કરવામાં આવશે.
રાજકીય નિવેદનબાજી ઉગ્ર બની
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે આ સંપૂર્ણપણે અયોગ્ય છે. સરકારને તટસ્થતા જોઈતી નથી. તેઓ ચૂંટણી પંચને સરકારી વિભાગ બનાવવા માંગે છે. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની વાત સાવ અદૃશ્ય થઈ જશે. અમે આ બિલનો સ્વીકાર કરી શકતા નથી.
કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ પણ આ બિલનો વિરોધ કરતા કહ્યું કે આજે કાળો દિવસ હતો, ચૂંટણી પંચ દેશમાં લોકતાંત્રિક અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટેની છેલ્લી સ્વતંત્ર સંસ્થા છે. વડાપ્રધાન મોદી તેને મોદી ચૂંટણી પંચ બનાવવા માંગે છે.
મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂકની શરતો અને સેવાનો કાર્યકાળ) બિલ, 2023 પર કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં નિર્ણય આપ્યો હતો. તેથી અમે સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર કાયદો લાવ્યા છીએ. નવા બિલમાં, અમે એક સર્ચ કમિટી બનાવી રહ્યા છીએ, જેનું નેતૃત્વ કેબિનેટ સેક્રેટરી કરશે, ત્યારબાદ એક પસંદગી સમિતિની રચના થશે, જેનું નેતૃત્વ વડાપ્રધાન કરશે. તેમાં ખોટું શું છે?
Advertisement