પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા અમેરિકાએ એક મહત્વનું પગલું લીધું છે. અમેરિકામાં દિવાળીના દિવસે ફેડરલ હોલિડે એટલે કે સંઘીય રજા જાહેર કરવા માટે અમેરિકી કોંગ્રેસ એટલે કે સંસદમાં એક વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. અમેરિકી મહિલા સાંસદ ગ્રેસ મેંગે શુક્રવારે પ્રતિનિધિ સભામાં દિવાળી દિવસ વિધેયક રજૂ કર્યું હતું. તેમના આ પગલાનું દેશભરના વિવિધ સમુદાયોએ સ્વાગત કર્યું છે. કોંગ્રેસ દ્વારા દિવાળી વિધેયક પસાર થઈ જશે તો તે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદો બની જશે અને દિવાળીના તહેવારે જાહેર રજા રહેશે.
Advertisement
Advertisement
બિલ રજૂ કરનારા સાંસદ ગ્રેસ મેંગે કરી આ વાત
મીડિયા સાથે વાતચીત કરતા ગ્રેસ મેંગે જણાવ્યું હતું કે દુનિયાભરમાં અબજો લોકોની સાથે સાથે અમેરિકામાં અસંખ્ય પરિવારો અને સમુદાયો માટે દિવાળી એ વર્ષના સૌથી મહત્વપૂર્ણ દિવસો પૈકી એક છે. તેમણે કહ્યું કે દિવાળીની ફેડરલ હોલીડે – રજા, પરિવારો અને મિત્રોને સાથે મળીને તહેવારની ઉજવણી કરવાની તક આપશે. આ દિવસે રજા જાહેર કરાશે તો સરકાર દેશની અલગ અલગ સાંસ્કૃતિક રજૂઆતોને મહત્વ આપે છે તેમ સાબિત કરશે.
તેમણે કહ્યું કે ક્વિન્સ, ન્યુયોર્કમાં દિવાળીના દિવસે એક શાનદાર સમારંભનું આયોજન કરવામાં આવે છે અને આ સમારંભનું આયોજન દર વર્ષે થાય છે. કેટલા લોકો માટે આ દિવસ મહત્વપૂર્ણ છે તે તેનાથી જાણવા મળે છે. તેમણે કહ્યું કે અમેરિકાની તાકાત વિવિધ અનુભવો, સંસ્કૃતિઓ અને સમુદાયોમાંથી આવે છે જે આ દેશનું નિર્માણ કરે છે. મેંગે વધુમાં કહ્યું કે તેમણે દિવાળી દિવસ અધિનિયમ રજૂ કર્યું છે. તે તમામ અમેરિકાવાસીઓને આ દિવસના મહત્વ અંગે વાકેફ કરાવવા અને અમેરિકાની વિવિધતાની ઉજવણી કરવાની દિશામાં એક પગલું છે.
પીએમ મોદી 21 જૂને અમેરિકાની યાત્રા શરૂ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકા જશે. તેઓ 21 થી 24 જૂન સુધી અમેરિકાની સત્તાવાર મુલાકાતે રહેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમના પત્ની પીએમ મોદીના સન્માનમાં 22 જૂને વ્હાઈટ હાઉસમાં ડિપ્લોમેટિક ડિનરનું પણ આયોજન કરશે. પીએમ મોદી વોશિંગ્ટન ડીસી નજીક એક હોટલમાં રોકાશે. ત્યાં ભારતીય સમુદાય ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરશે. 22 જુને વ્હાઈટ હાઉસમાં 21 તોપોની સલામી આપીને પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે.
Advertisement