મહારાષ્ટ્ર સરકારે સાવરકર જયંતિના અવસરે મહત્ત્વની જાહેરાત કરી છે. સીએમ એકનાથ શિંદેએ જાહેરાત કરી કે બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે. તે હવે ‘વીર સાવરકર સેતુ’ તરીકે ઓળખાશે. સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની 140મી જન્મજયંતિ 28 મે, રવિવારે ઉજવવામાં આવી હતી. હાલ, આ સી લિન્કનું માત્ર 7 ટકા જ નિર્માણ થયું છે. તેનું બાંધકામ 2018થી ચાલી રહ્યું છે. શિંદેએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના વીરતા પુરસ્કારની માફક જ ‘સ્વાતંત્ર્યવીર સાવરકર વીરતા પુરસ્કાર’ પણ આપવામાં આવશે.
Advertisement
Advertisement
નામ બદલવાની વાત અગાઉથી ચાલી રહી છે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે અગત્યની જાહેરાત કરતાં બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ બદલી નાખ્યું છે. બાંદ્રા-વર્સોવા સી લિંક હવે વીર સાવરકર સેતુ તરીકે ઓળખાશે. ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે રાજ્ય સરકાર બાંદ્રા-વર્સોવા સી-લિંકનું નામ બદલવાની તૈયારી કરી રહી છે. હવે વીર સાવરકર જયંતિ નિમિત્તે આ સી-લિંકનું નામ બદલવામાં આવ્યું છે.
મીડિયા સાથે વાત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે વીર સાવરકર જયંતિના દિવસને સરકારે વીર સાવરકર ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સરકારે બાંદ્રા-વર્સોવા દરિયાઈ પુલનું નામકરણ વીર સાવરકરના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનારા લોકોને વીર સાવરકર વીરતા પુરસ્કાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે વીર સાવરકરની જન્મજયંતિના ઐતિહાસિક દિવસે લોકશાહીના પવિત્ર મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. જે તમામ લોકો માટે ઐતિહાસિક ઘટના હતી. દેશના 140 કરોડ લોકો તેમાં સહભાગી બન્યા અને તમામ લોકોએ (વિરોધી પક્ષો) તેમાં ભાગ લેવો જોઈતો હતો.
શિંદેએ સાવરકર ગૌરવ યાત્રા યોજી
રાષ્ટ્રીય રાજકારણની સાથે સાથે સાવરકર મહારાષ્ટ્રના રાજકારણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે, તાજેતરમાં ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકર અંગે રાહુલ ગાંધીના નિવેદનોએ સમગ્ર દેશમાં ઉહાપોહ મચાવ્યો હતો. તેની અસર મહારાષ્ટ્રના રાજકારણ પર પણ પડી હતી. રાહુલ ગાંધીના નિવેદન બાદ સીએમ એકનાથ શિંદેએ સાવરકર ગૌરવ યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી. તેની શરૂઆત એપ્રિલમાં થાણેથી કરવામાં આવી હતી. સીએમ શિંદેએ જાહેરાત કરી કે આ યાત્રા રાજ્યના 288 બેઠક વિસ્તારમાં કાઢવામાં આવશે.
Advertisement