શુક્રવારે સાંજે થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનાના 51 કલાક પછી, બાલાસોરના બહાનાગા ટ્રેન દુર્ઘટના સ્થળ પર ટ્રેન સેવાઓ ફરી શરૂ થઈ છે. ગઈકાલે મધ્યરાત્રિએ ગુડ્ઝ ટ્રેનને અસરગ્રસ્ત પાટા પર દોડાવીને કોલકાતા અને ચેન્નાઈ વચ્ચે ટ્રેન સેવા ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો કરાયો હતો.
Advertisement
Advertisement
દક્ષિણ પૂર્વ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે હાવડા-ચેન્નઈ મેલ, હાવડા-પુરી એક્સપ્રેસ, હાવડા-બેંગલુરુ એક્સપ્રેસ, હાવડા-પુડુચેરી એક્સપ્રેસ, શાલીમાર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ જેવી લાંબા અંતરની ટ્રેનો બહાનાગાથી પસાર થાય છે.
સત્તાવાળાઓએ જણાવ્યું કે આજથી આ રૂટ પરની તમામ ટ્રેનો સામાન્યપણે દોડતી થઈ જશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે અવિરત કામ કરનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે તપાસ ચાલી રહી છે અને અકસ્માતના મૂળ કારણ સુધી તપાસ થશે. ગઈકાલે બાલાસોર ટ્રિપલ ટ્રેન અકસ્માત સ્થળે પુનઃસ્થાપન કાર્યની સમીક્ષા કરનારા રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ અકસ્માત થયો હતો.
ઓડિશાના બાલાસોરમાં થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયાં હોવાની માહિતી સામે આવી રહી છે. જ્યારે 1100 થી વધુ લોકો ઘાયલ છે, જેમાંથી ઘણાંની હાલત ગંભીર છે, તેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ દુર્ઘટનામાં પશ્ચિમ બંગાળના 62 લોકોના મોત થયા છે. અહીં 206 લોકોની સારવાર ચાલી રહી છે. ઓડિશામાં, પશ્ચિમ બંગાળના 73 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 56 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હજુ સુધી 182 લોકોની ઓળખ થઈ શકી નથી.
Advertisement