ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ગઈકાલે ચેન્નાઈમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ભારતે જાપાનને 5-0 ગોલથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આજે ચેન્નાઈમાં મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમ પર ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે. તેમાં ભારતનો મુકાબલો મલેશિયા સાથે થશે.
Advertisement
Advertisement
ગઈકાલે રમાયેલી સેમિફાઈનલમાં ભારત તરફથી આકાશદીપ સિંહે, હરમનપ્રીત સિંહ, મનદીપ સિંહ, સુમિત અને સેલ્વમ કાર્થીએ ગોલ કર્યા હતા. પ્રથમ ક્વાર્ટરમાં જાપાને ભારતને જોરદાર ટક્કર આપીને એકપણ ગોલ કરવા દીધો ન હતો. જોકે બીજા ક્વાર્ટરમાં ટીમ ઈન્ડિયાએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને ત્રણ ગોલ ફટકારી દીધાં હતા.
પ્રથમ ગોલ આકાશદીપ સિંહે ફિલ્ડ ગોલ કર્યો, ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. મનદીપ સિંહે પણ બીજા ક્વાર્ટરની છેલ્લી મિનિટે ગોલ કરતા ભારત જાપાનથી 3-0ની આગળ થઈ ગયું હતું. ત્રીજા ક્વાર્ટરમાં જાપાન ફરી નિષ્ફળ રહ્યું અને ભારતીય ટીમ તરફથી સુમિતે ત્રીજા ક્વાર્ટરમાં અને સેલ્વમે ચોથા ક્વાર્ટરમાં ગોલ ફટકારી ભારતને મોટી જીત અપાવી હતી. જાપાન એક પણ ગોલ નોંધાવી શક્યું ન હતું.
ફાઈનલમાં ભારતનો મુકાબલો મલેશિયા સાથે થશે. અગાઉ રમાયેલી સેમીફાઈનલમાં મલેશિયાએ કોરિયાને 6-2થી હરાવ્યું હતું. ફાઈનલમાં ભારત મલેશિયા સામે જીતશે તો ટીમ ઈન્ડિયા ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી જશે.
Advertisement