એશિયા કપ – 2023ના સુપર 4 રાઉન્ડમાં કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ગઈકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે રોકાઈ ગઈ હતી. જે આજે રિઝર્વ ડેએ આગળ રમાઈ રહી છે. ભારતે વિજય માટે પાકિસ્તાન સમક્ષ 357 રનનું લક્ષ્ય મુક્યું છે.
Advertisement
Advertisement
ભારતે નિર્ધારિત 50 ઓવરમાં બે વિકેટે 356 રન નોંધાવ્યા હતા. ગઈકાલના અણનમ બન્ને ખેલાડીઓ રાહુલ અને કોહલીએ આક્રમક સદી ફટકારી છે. કે એલ રાહુલે 106 બોલમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અણનમ 111 રન અને કોહલીએ 94 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 122 રન નોંધાવ્યા હતા. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 233 રનની અણનમ ભાગીદારી નોંધાઈ છે.
આજે પણ મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને મેચ સમયસર શરૂ થી શકી ન હતી. જોકે, સારી વાત એ છે કે ભારતે આજે વધુ એક પણ વિકેટ ગુમાવી નથી. બન્ને ખેલાડીઓએ ગઈકાલના 2 વિકેટે 147 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. રાહુલ અને કોહલીએ મક્કમ અને આક્રમક બેટિંગ સાથે ટીમનો સ્કોર પહેલા તો 150 અને તે પછી 33.5 ઓવરમાં 200 તથા 35 ઓવરમાં 225 રને પહોંચાડ્યો હતો. જોકે, તે પછી તો બન્નેએ આક્રમક ફટકાબાજી શરૂ કરી દીધી હતી અને 50 ઓવરમાં ભારતના સ્કોરને 350ને પાર પહોંચાડી દીધો હતો.
પાકિસ્તાનના તમામ બોલરોને આજે નિરાશા સાંપડી હતી. પાકિસ્તાનનો એક પણ બોલર વિકેટ ઝડપી શક્યો ન હતો. શાહિન આફ્રિદીએ 10 ઓવરમાં 79 રન આપીને એક માત્ર શુબ્મન ગિલની વિકેટ ઝડપી હતી. જ્યારે શાદાબ ખાને 10 ઓવરમાં 71 રન આપીને રોહિત શર્માની વિકેટ લીધી હતી. તે સિવાય ફહિમ અશરફે 10 ઓવરમાં 74 રન, નસીમ શાહે 9,3 ઓવરમાં 53 રન અને ઈફ્તિખારપ અહેમદે 5.4 ઓવરમાં 52 રન તથા રઉફે પાંચ ઓવરમાં 27 રન આપ્યા હતા.
અગાઉ ગઈકાલે પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી. ભારતની ટીમ બેટિંગમાં આવી હતી. પ્રથમ વિકેટ માટે રોહિત શર્મા અને શુબ્મન ગિલ વચ્ચે 16.4 ઓવરમાં 121 રનની ભાગીદારી થઈ હતી. રોહિત શર્મા છ ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 56 રન અને શુબ્મન ગિલ 10 ચોગ્ગા સાથે 58 રન નોંધાવીને આઉટ થયાં હતા.
Advertisement