હાલ એશિયા કપ 2023 રમાઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટની પાંચમી મેચ આજે ભારત અને નેપાળ વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:00 વાગ્યે શ્રીલંકાના પાલેકલ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત માટે ગ્રુપ સ્ટેજમાં આ બીજી મેચ હશે. ભારતીય ટીમે એશિયા કપ અભિયાનનો પ્રારંભ પાકિસ્તાન સામે કર્યો હતો. પાકિસ્તાન સામેની મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાથી બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાન ટીમ 3 પોઈન્ટ સાથે સુપર-4 રાઉન્ડ માટે ક્વોલિફાય કરી ચુકી છે. હવે ભારતીય ટીમની નજર પણ આજની મેચ જીતી સુપર-4 માટે ક્વોલિફાય કરવા પર રહેશે.
Advertisement
Advertisement
નેપાળને સુકાની પાસે સારા દેખાવની અપેક્ષા
નેપાળ સામે રમાનારી મેચમાં ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રમશે નહી. બુમરાહ અંગત કારણસર મુંબઈ પરત ફર્યો છે. હવે આ સ્થિતિમાં બુમરાહના સ્થાને ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને નેપાળ સામે રમવાની તક મળે તેવી શક્યતા છે. નેપાળની ટીમને તેની પ્રથમ મેચમાં પાકિસ્તાને 238 રને હરાવ્યું હતું. હવે નેપાળ ટીમનું લક્ષ્ય આજની મેચમાં ભારતને પડકાર આપવાનો રહેશે. નેપાળની ટીમને તેના સુકાની રોહિત પૌડેલ અને સ્પિનર સંદીપ લામિછાણે પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. ભારત અને નેપાળ વચ્ચેની મેચમાં ઝડપી બોલરોની મદદ મળે તેવી શક્યતા છે. સ્પિનરોને પિચથી વધારે મદદ નહીં મળે.
મેચ ન રમાય તો પણ ભારત સુપર 4માં પહોંચશે
ભારત પાસે એક પોઈન્ટ છે. આજે રમાનારી મેચ પણ વરસાદના કારણે ધોવાઈ જાય તો ભારત અને નેપાળને એક-એક પોઈન્ટ મળશે. આ સ્થિતિમાં ભારતના કુલ બે પોઈન્ટ થશે અને તે સુપર-4માં પહોંચી જશે. આ સાથે જ નેપાળ પાસે માત્ર એક પોઈન્ટ રહેશે. પાકિસ્તાન ત્રણ પોઈન્ટ સાથે સુપર-4માં પહોંચી ગયું છે.
પાકિસ્તાન સામે હાર્દિક-ઈશાનનો સારો દેખાવ
નેપાળની ટીમે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ ભારતીય ટીમના ટોપ ઓર્ડરને ખૂબ નજીવા સ્કોરે પેવેલિયન ભેગા કર્યા હતા. એક સમયે પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય ટીમનો સ્કોર 4 વિકેટે 66 રન હતો. જોકે, ત્યારબાદ ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાએ પાંચમી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમની ઈનિંગને સંભાળી લીધી હતી. ભારતની ટીમ 266 રન નોંધાવીને આઉટ થઈ ગઈ હતી. જો કે વરસાદના કારણે પાકિસ્તાનની બેટિંગ શરુ થઈ શકી ન હતી અને મેચ રદ્દ થઇ હતી. હવે નેપાળ વિરુદ્ધ ભારતીય ટોપ ઓર્ડરના બેટ્સમેનો કેવો દેખા્વ કરે છે તેના પર ક્રિકેટચાહકોની નજર રહેશે.
ભારતીય ટીમ
રોહિત શર્મા (C), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, સંજુ સેમસન (રિઝર્વ પ્લેયર)
નેપાળ ટીમ
રોહિત પોડૈલ (C), કુશલ ભુર્તેલ, આસિફ શેખ, ભીમ શર્કી, કુશલ મલ્લા, આરિફ શેખ, દીપેન્દ્ર સિંહ એરી, ગુલશન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લામિચાને, લલિત રાજબંશી, પ્રતિશ જીસી, મૌસમ ઢકાલ, સંદીપ જોરા, કિશોર મહતો, અર્જુન સાઉદ
Advertisement