ભારતની અધ્યક્ષતામાં જી-20 શિખર સંમેલનનું આયોજન 9-10 સપ્ટેમ્બરે કરવામાં આવી રહ્યું છે. આ માટે વૈશ્વિક નેતાઓ ભારત પહોંચવા લાગ્યા છે. જી-20 સમિટમાં ભાગ લેવા માટે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની આજે ભારત આવી પહોંચ્યા હતા. કેન્દ્રીય રાજ્ય મંત્રી શોભા કરંદલાજે દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement
દરમિયાન, જી-20 જૂથમાં આફ્રિકન સંઘનો પણ સમાવેશ થઈ શકે છે તેવી ચર્ચા થઈ રહી છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ માઈકલને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ જી-20 બે દિવસમાં વિશ્વની તમામ સમસ્યાઓને ઉકેલી નાંખશે તેવું મને નથી લાગતું… પરંતુ મને લાગે છે કે આ દિશામાં પગલાં લઈ શકાય છે.
સૌની નજર જી-20 ઘોષણાપત્ર પર
જી-20 સમિટ અંગે જર્મન એમ્બેસેડર ફિલિપ એકરમેને કહ્યું, ‘મને આશા છે કે જી-20 ઘોષણાપત્રમાં દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. જેના પર આપણે કામ કરવાનું છે તે તમામ બાબતોનો ઘોષણાપત્રમાં ઉલ્લેખ હોવો જોઈએ. આ એક મુશ્કેલ કામ છે પરંતુ મને આશા છે કે ઘોષણાપત્રમાં બધાનું ધ્યાન રાખવામાં આવશે. એકરમેને કહ્યું કે અમે જી-20માં આફ્રિકન યુનિયનના સમાવેશનું સ્વાગત કરીશું. યુરોપિયન યુનિયન પછી તે દેશોનું બીજું સૌથી મોટું યુનિયન હશે.
જી-20ના નેતાઓ સાથે પીએમ મોદીની 15 દ્વિપક્ષીય બેઠક
વડાપ્રધાન મોદી 8 સપ્ટેમ્બરે એટલે કે આજે મોરેશિયસ અને બાંગ્લાદેશના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આજે જ પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત, 9 સપ્ટેમ્બરે પીએમ મોદી જી-20 સમિટમાં બ્રિટન, જાપાન, જર્મની અને ઈટાલી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. ત્યારબાદ 10 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે લંચ મીટિંગ કરશે. તે સાથે જ કેનેડાના વડાપ્રધાન સાથે પણ અલગ બેઠક કરશે. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી કોમોરોસ, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત, દક્ષિણ કોરિયા, યુરોપિયન યુનિયન, યુરોપિયન કમિશન, બ્રાઝિલ અને નાઈજીરિયાના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
Advertisement