બુધવારે સવારે દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. વિસ્તારા એરલાઈન્સના એક વિમાનને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે અન્ય વિમાન લેન્ડિંગની પ્રક્રિયામાં હતું. ATCની સૂચના બાદ ફ્લાઇટનું ટેક ઓફ રદ કરવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement
મળતી માહિતી મુજબ, નવા ઉદ્ઘાટન કરાયેલા રનવે પરથી UK 725 દિલ્હીથી બાગડોગરા જવા માટે ટેક ઓફ કરી રહ્યું હતું. તે સાથે જ અમદાવાદથી દિલ્હીની વિસ્તારાની ફ્લાઈટ સમાંતર રનવે પર ઉતર્યા બાદ રનવેના છેડા તરફ આગળ વધી રહી હતી. બંનેને એક જ સમયે પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ એટીસીએ તરત જ તેના પર નિયંત્રણ મેળવી લીધું હતું. ફરજ પરના એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ) અધિકારીએ તરત જ વિસ્તારાની ફ્લાઇટને ટેક ઓફ રદ કરવા સૂચના આપી.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેક ઓફ કરી રહેલી ફ્લાઈટને યોગ્ય સમયે રોકવામાં ન આવી હોત તો મોટી દુર્ઘટના થઈ હોત. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ, ટેક-ઓફ અને લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન કોઈપણ વિમાન કે વાહનની અવરજવરને મંજૂરી નથી હોતી.
સૂત્રોએ જણાવ્યું કે જ્યારે બાગડોગરા જતી ફ્લાઇટના પાઇલટે જાહેરાત કરી કે એટીસીની સૂચનાને કારણે પ્લેન ઉપડશે નહીં, ત્યારે મુસાફરો થોડા ગભરાયા હતા. વરિષ્ઠ પાઈલટ અને સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશનના સ્થાપક કેપ્ટન અમિત સિંઘે જણાવ્યું હતું કે નજીકના અંતરે આવેલા રનવે પરથી ફ્લાઈટ ઓપરેશનને વધુ સારી દેખરેખ અને SOPનું કડક પાલન જરૂરી છે જેથી ફ્લાઈટ પાથની નિકટતાને કારણે સંભવિત અથડામણ ટાળી શકાય. તેમણે કહ્યું કે સામાન્ય રીતે બીજા રનવે પર વિમાન ઉતરી ન જાય ત્યાં સુધી એક રનવે પરના એરક્રાફ્ટને ટેક-ઓફની મંજૂરી અપાતી નથી.
Advertisement