નવી દિલ્હીઃ જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારજનોને દેશમાં તેમજ વિદેશપ્રવાસે જાય ત્યારે ત્યાં પણ ઉચ્ચતમ એવું ઝેડ – પ્લસ સુરક્ષા કવચ પૂરું પાડવા સુપ્રિમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા Z+ સુરક્ષા કવચ મેળવનાર અંબાણી પરિવાર દેશનો પહેલો ઉદ્યોગપતિ પરિવાર છે.
Advertisement
Advertisement
સુપ્રિમ કોર્ટના જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ અહેસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે આદેશમાં જણાવ્યું છે કે ભારત સરકારની નીતિ અનુસાર, અંબાણી પરિવારજનોને ભારતભરમાં ઉચ્ચતમ Z+ સુરક્ષા પૂરી પાડવાની રહેશે અને તેની જવાબદારી મહારાષ્ટ્ર રાજ્ય તથા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની રહેશે. અંબાણી પરિવારના સભ્યો વિદેશ પ્રવાસે જાય ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને આ જ પ્રકારની સુરક્ષા પૂરી પાડવાની રહેશે. વધુમાં ન્યાયાધીશોએ ઠેરવ્યું છે કે ભારતમાં કે વિદેશ પ્રવાસ વખતે પૂરી પાડવામાં આવનારી આ સુરક્ષા વ્યવસ્થા પાછળનો સમગ્ર ખર્ચ અંબાણી પરિવારે ભોગવવાનો રહેશે. આ અગાઉ અંબાણી પરિવારને સુરક્ષાનો ખર્ચ સરકાર ઉઠાવતી હતી. Z Plus કેટેગરીની સુરક્ષા માટે વ્યક્તિ દીઠ દર મહિને 40 થી 45 લાખ રૂપિયા ખર્ચ થાય છે.
58 કમાન્ડો દ્વારા અંબાણીની સુરક્ષા
CRPFના લગભગ 58 કમાન્ડો સતત 24 કલાક મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષામાં તૈનાત છે. આ કમાન્ડો જર્મન બનાવટની હેકલર અને કોચ એમપી 5
સબ- મશીનગન સહિત ઘણા આધુનિક હથિયારોથી સજ્જ છે. આ બંદૂકની ક્ષમતા એક મિનિટમાં 800 રાઉન્ડ ફાયરની છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં VVIP સુરક્ષાનું સર્વોચ્ચ સ્તર Z પ્લસ સિક્યુરિટી છે, જે હેઠળ 6 કેન્દ્રીય સુરક્ષા સ્તરો છે. મુકેશ અંબાણીની સુરક્ષામાં અગાઉથી જ 6 રાઉન્ડ ધ ક્લોક ટ્રેન્ડ ડ્રાઈવર તૈનાત છે.
મુકેશ અંબાણીના 15-20 અંગત સુરક્ષા ગાર્ડ
CRPF ઉપરાંત મુકેશ અંબાણીના લગભગ 15-20 પર્સનલ સિક્યોરિટી ગાર્ડ પણ છે. તેઓ નિઃશસ્ત્ર છે. ઈઝરાયેલ સ્થિત સુરક્ષા ફર્મ દ્વારા તેમને તાલીમ આપવામાં આવી છે. અંબાણી અને તેમના પરિવારની સુરક્ષા માટે તૈનાત આ પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ્સને પણ ક્રાવ માગા (ઈઝરાયેલી માર્શલ આર્ટ) ની તાલીમ આપવામાં આવે છે. આ રક્ષકો બે શિફ્ટમાં ફરજ બજાવે છે, જેમાં ભારતીય સેનાના નિવૃત્ત અને NSG જવાનોનો સમાવેશ થાય છે.
નીતા અંબાણીને અગાઉ Y પ્લસ સુરક્ષા હતી
2013માં, હિઝબુલ મુજાહિદ્દીન તરફથી મળેલી ધમકીઓના પગલે મુકેશ અંબાણીને તત્કાલીન સરકાર દ્વારા Z પ્લસ સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને કેન્દ્ર સરકારે 2016માં Y પ્લસ સુરક્ષા પૂરી પાડી હતી. તેમના બાળકોને પણ મહારાષ્ટ્ર સરકાર સિક્યોરિટી આપવામાં આવે છે.
અંબાણીની સુરક્ષા સામે જાહેર હિતની અરજી થઈ હતી
ગત વર્ષે 29 જૂને ત્રિપુરા હાઈકોર્ટમાં વિકાસ સાહા નામના વ્યક્તિએ મુકેશ અંબાણીની સુરક્ષા સામે જાહેર હિતની એક અરજી દાખલ કરી હતી. તે અંગે હાઈકોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો અને તેમને જોખમના મૂલ્યાંકનની વિગતો માંગી હતી. તેના આધારે મુકેશ અંબાણી અને તેમના પરિવારને સુરક્ષા અપાઈ હતી. ત્યારપછી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં જણાવાયું હતું કે એક પરિવારને આપવામાં આવેલી સુરક્ષા જાહેર હિતનો મુદ્દો નથી અને અંબાણીની સુરક્ષાને ત્રિપુરા સાથે કોઈ લેવાદેવા નથી. તે પછી ત્રિપુરા હાઈકોર્ટના આદેશો પર સુપ્રીમ કોર્ટે 22 જુલાઈએ સ્ટે ફરમાવી દીધો હતો.
Advertisement