મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં ભોગ બનનાર લોકોના પરિવારજનોને 25 લાખ રૂપિયા વળતર આપવા મામલે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીને હાઈકોર્ટમાં સુઓમોટો સાથે ચલાવવા રજૂઆત કરવામાં આવી છે.
Advertisement
Advertisement
ગુજરાત હાઈકોર્ટે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના અંગે સુઓમોટો અરજી કરી હતી, જેમાં રાજ્ય સરકાર, મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રૂપના માલિકો સામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ હાજર રહેવા માટે આદેશ કર્યો છે.
આ અંગેની સુનાવણી ગુરુવારે યોજાવાની હોવાથી સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીને તેની સાથે સાંભળવા દાદ માગવામાં આવી છે, જેની સામે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે રજિસ્ટ્રીમાં રજૂઆત કરવા આદેશ કર્યો હતો. મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની બે અરજી અને સુઓમોટો અરજી કરવામાં આવી છે.
એક અરજીમાં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરાઈ છે. જ્યારે બીજી અરજીમાં વળતરની રકમ 25 લાખ આપવા અને જવાબદારો સામે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. સુઓમોટો અરજીમાં સરકાર અને નગરપાલિકાની બેજવાબદારી અને વળતર સહિતની બાબતે સવાલો કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પુલ હોનારત કેસમાં આરોપીઓની જામીન અરજીની સુનાવણી દરમિયાન એફએસએલે રિપોર્ટ સબમિટ કર્યો હતો, જેમાં પુલનું રિનોવેશન ગુણવત્તાયુક્ત ન હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ સસ્પેન્શન બ્રિજનો મુખ્ય કેબલ કાટ લાગેલો હતો તથા લોખંડની એંગલો પણ ખરાબ થઈ ગઈ હતી. પુલ પર રહેલા કેબલ અને એંગલોમાં આવેલા જોઇન્ટ્સ પણ ત્રણ ઇંચ જેટલા ખૂલી ગયા હતા. રિનોવેશનના નામ પર માત્ર રંગરોગાન કરીને પુલને ચાલું કરી દેવામાં આવ્યો હતો.
Advertisement