નવી દિલ્હી: માલેગાંવમાં થયેલા બોમ્બ વિસ્ફોટ કેસને 14 વર્ષ પૂરા થઇ ગયા છે પરંતુ હજુ સુધી આ કેસમાં કોઇ દોષી સાબિત થઇ શક્યો નથી. આ કારણ છે કે આ કેસમાં પીડિત અને આરોપી બન્ને છેલ્લા 14 વર્ષથી ન્યાયની રાહ જોઇ રહ્યા છે. આ રાહ કેટલી લાંબી ચાલશે તેનો જવાબ કોઇની પાસે નથી. જોકે, છેલ્લા આટલા વર્ષમાં આ કેસની સુનાવણી દરમિયાન 3 એજન્સી અને 4 જજ પણ બદલાઇ ચુક્યા છે, તેમ છતા આ કેસમાં હજુ સુધી 195ની નજીક સાક્ષીના નિવેદન દર્જ થવાના બાકી છે. આ વિસ્ફોટને લઇને પોલીસે સમીર કુલકર્ણીને આરોપી બનાવ્યો છે.
Advertisement
Advertisement
સમીર કુલકર્ણી 14 વર્ષથી આ કેસમાં સાક્ષી માટે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી દરેક તારીખ પર પૂણેથી મુંબઇ જાય છે પરંતુ આટલા વર્ષ વિતી ગયા છતા આજ સુધી કોર્ટ આ શોધી શકી નથી કે શું તે દોષી છે કે નથી? આ કેસમાં 29 સપ્ટેમ્બર 2022માં ફરી એક વખત તારીખ પડી હતી કારણ કે જે બે સાક્ષીના નિવેદન દર્જ થવાના હતા તે આવ્યા જ નહતા. વ્યવસ્થાથી નિરાશ અને નારાજ સમીર કુલકર્ણીએ કોર્ટ બહાર કાળી પટ્ટી લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે માલેગાંવ 2008 બોમ્બ વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા અને 101 લોકો ઘાયલ થયા હતા. ATSએ તપાસ બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને સેનાના લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત સહિત 12 આરોપીઓની ધરપકડ કરી હતી. માલેગાંવ બોમ્બ વિસ્ફોટ બાદથી દેશમાં ભગવા આતંકવાદનો આરોપ લાગ્યો હતો.
આ કેસની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોપવામાં આવી હતી. NIAએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત 6ને ક્લીન ચિટ આપી દીધી હતી પરંતુ કોર્ટે સાધ્વીને છોડવાનો ઇનકાર કરીને આરોપી બનાવી રાખી હતી. સાધ્વી હવે ભોપાલના સાંસદ છે પરંતુ કેસ હજુ પણ ચાલુ છે. આ કેસ જલ્દી ખતમ કરવાને લઇને બોમ્બે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બન્નેના આદેશ છે પરંતુ સાક્ષીના ના મળવા અથવા ના આવવાને કારણે અવાર નવાર સુનાવણી ટળતી રહે છે. આ કેસનો અંતિમ નિર્ણય ક્યારે આવશે તે તારીખ પર તારીખ પડતા કઇ કહી શકાય તેમ નથી.
Advertisement