વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી નવા શૈક્ષણિક સત્રથી તમામ અધ્યાપકો અને કર્મચારીઓની હાજરી પૂરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમનો અમલ કરી રહી છે તેવું સત્તાધિશોએ જણાવ્યું હતું.
યુનિવર્સિટીના મેનેજમેન્ટે જણાવ્યું છે કે હાજરી પૂરવા માટે 100 જેટલા મશીનો વસાવવાની પ્રક્રિયા શરુ કરવા માટે યુનિવર્સિટીના કમ્પ્યૂટર સેન્ટરને આદેશ આપવામાં આવ્યો છે. દરેક વિભાગમાં એક બાયોમેટ્રિક મશીન મૂકાશે.
યુનિવર્સિટી હેડ ઓફિસમાં પણ આ જ પદ્ધતિથી હાજરી પૂરાશે. આગામી દિવસોમાં બાયોમેટ્રિક મશીનની ખરીદી પણ કરી દેવાશે. વાઈસ ચાન્સેલર પોતે પણ આ પદ્ધતિથી હાજરી પૂરે તેવું ચર્ચાઈ રહ્યું છે, જેથી ગુલ્લીબાજ અથવા મોડા આવતા કર્મચારીઓ તેમજ અધ્યાપકોની પોલ પકડાઈ જશે.
પ્રો.વિજય શ્રીવાસ્તવે વાઈસ ચાન્સેલર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે કોમર્સ ફેકલ્ટીમાં અચાનક ચેકિંગ કર્યું હતું અને અધ્યાપકોની ગેરહાજરીને લઈને ફેકલ્ટી ડીનનો ખુલાસો પૂછ્યો હતો. વાઈસ ચાન્સેલરે તે વખતે પણ એવો આગ્રહ રાખ્યો હતો કે અધ્યાપકોએ અમુક કલાકો સુધી કેમ્પસમાં હાજર રહેવું જ જોઈએ.
એ પછી વાઈસ ચાન્સેલરે યુનિવર્સિટી હેડ ઓફિસમાં પણ કર્મચારીઓની હાજરીનું ચેકિંગ કર્યું હતું. મોડા પડનારા કર્મચારીઓને પકડવા માટે તેમણે થોડા દિવસો માટે હાજરીનું રજિસ્ટર પોતાની ઓફિસમાં મંગાવી લીધું હતું. બાયોમેટ્રિક સિસ્ટમના કારણે આ ગુલ્લીબાજ કે મોડા આવવાનું બંધ થઈ શકે છે.
એમ.એસ. યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા જણાવાઈ રહ્યું છે કે યુનિવર્સિટી કેમ્પસમાં લેટેસ્ટ પ્રકારના CCTV કેમેરા લગાવવાનો અટકી ગયેલો પ્રોજેક્ટ પણ ફરી શરુ કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ કેમ્પસમાં પહેલા ફેઝમાં 600 કેમેરા હોસ્ટેલ કેમ્પસમાં લગાવાયા છે. હવે બીજા ફેઝમાં યુનિવર્સિટીના બાકી કેમ્પસમાં લગાવાશે.
Advertisement