ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે રોજ જાહેર થયું છે, જેમાં વડોદરાનું 62.24% પરિણામ આવ્યું છે જે ગત વર્ષની સરખામણીએ 1.3 ટકા વધુ છે જોકે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનું પરિણામ નબળું આવતા શહેર જિલ્લાનું ઓવરઓલ પરિણામ પણ નબળું થયું છે.
શિક્ષણવિદોનું કહેવું છે કે, આ વખતે વડોદરાનું પરિણામ ભલે એક ટકા વધારે આવ્યું પરંતુ બોર્ડનું ઓવરઓલ પરિણામ નીચું આવ્યું છે તેનું કારણ એ છે કે, રીપીટરમાં 13.45 ટકા અને ખાનગી વિદ્યાર્થીમાં 3.95 ટકા તથા રેગ્યૂલર વિદ્યાર્થીઓના પરિણામમાં 0.56 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
વડોદરામાં આ વર્ષે A-1 કેટેગરીના વિદ્યાર્થીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જે રાજકોટ, સુરત અને અમદાવાદની સરખામણીએ ઘણા ઓછા છે. બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોરોના કાળ પણ નડી ગયો છે. નિયમિત ક્લાસરૂમ અભ્યાસ થયો નહીં હોવાથી ગણિત અને વિજ્ઞાન વિષયનો પાયો કાચો રહી ગયો છે પરિણામે બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે તૈયારી કરવામાં વિદ્યાર્થીઓ નિષ્ફળ ગયા છે.
શિક્ષણવિદો કહે છે કે પરિણામ નીચું જવાનું બીજું મોટું કારણ કોરોના અને લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓને લખવાની પ્રેક્ટિસ છૂટી જતા પરિણામ પર ગંભીર અસરો થઈ છે. ઓનલાઈન શિક્ષણ અને પૂરતું માર્ગદર્શનથી પાયો કાચો રહ્યો હતો અને તેના કારણે સીધી અસર આગળના વર્ષોના અભ્યાસ પર રહી હતી.
Advertisement