એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ INX મીડિયા મની લોન્ડરિંગ કેસમાં કાર્તિ ચિદમ્બરમની રૂ. 11.04 કરોડની ચાર મિલકતો જપ્ત કરી છે. કર્ણાટકના કુર્ગ જિલ્લામાં આવેલી ત્રણ જંગમ અને એક સ્થાવર કુલ ચાર મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી છે, એમ EDએ મંગળવારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું.
Advertisement
Advertisement
એજન્સીના જણાવ્યા અનુસાર ED દ્વારા કાર્તિ ચિદમ્બરમ મેસર્સ એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ પ્રાઈવેટ લિમિટેડ (ASCPL) અને અન્યો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ- PMLA હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ભારતીય દંડ સંહિતા 1860 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ની વિવિધ કલમો હેઠળ સજાપાત્ર અપરાધો માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલી FIR પર આધારિત ECIR નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે ED એ INX મીડિયા ગ્રુપને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB) ક્લિયરન્સ આપવામાં કથિત અનિયમિતતાઓની તપાસ કરવા માટે 2017 માં PMLA હેઠળ ફોજદારી કેસ નોંધ્યો હતો. INX મીડિયાને 2007-08માં FIPB (ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ)ની મંજૂરી મળી હતી, જ્યારે પી ચિદમ્બરમ તત્કાલીન યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સરકારમાં કેન્દ્રીય નાણાં પ્રધાન હતા.
એવો આરોપ છે કે ક્લિયરન્સ કાયદેસર ન હતું અને એજન્સીઓએ પી ચિદમ્બરમ પર તેમના પુત્ર કાર્તિ દ્વારા મીડિયા જૂથના પ્રમોટર્સ ઈન્દ્રાણી અને પીટર મુખર્જી પાસેથી કિકબેક લઈને ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો છે. FIPBને મોદી સરકારે 2017માં નાબૂદ કરી હતી.
Advertisement