વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને હાલ તમામ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલું કરી દિધો છે.હાલ તો ભાજપ પ્રચારમાં સૌથી આગળ છે.જો કે આ વખતે ચૂંટણી લડવા માટે ભાજપમાં મુરતિયાઓની લાઈનો લાગી છે.વાત કરીએ નર્મદા જિલ્લાની તો અહીંયા વિધાનસભાની 2 બેઠકો છે, ડેડીયાપાડા અને નાંદોદ.ડેડીયાપાડામાં BTP અને નાંદોદમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ચૂંટાયા છે, નર્મદા જિલ્લામાં ભાજપને જૂથવાદને લીધે બંને બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો.આ વખતની ચૂંટણીમાં પણ નાંદોદ અને ડેડીયાપાડા બેઠક માટે ભાજપના ઘણા દાવેદારો છે, હવે આ દાવેદારો માંથી કોઈ પણ એક વ્યક્તિને ટીકીટ મળે એટલે બીજા ચૂંટણી લડવા ઇચ્છુકો નારાજ થાય એ બાબત સ્વાભાવિક છે. એ નારાજગી ભાજપને નડે એ પણ એટલું જ સત્ય છે.
Advertisement
Advertisement
વાત કરીએ નાંદોદ વિધાનસભાની તો ભાજપ માંથી 20 થી 25 લોકોએ દાવેદારી કરી રહ્યા છે.પણ લોકોમાં ચાલતી ચર્ચાઓ મુજબ પ્રભળ દાવેદારોમાં તો પૂર્વ વનમંત્રી શબ્દશરણભાઈ તડવી અને પૂર્વ ધારાસભ્ય અને હાલના ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદભાઇ વસાવા જ છે.એમના પછીના દાવેદારોની જો વાત કરીએ તો હર્ષદભાઇ વસાવા સાળા નર્મદા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કિરણભાઈ વસાવા, ભારતીબેન તડવી, ડો.રવીભાઈ દેશમુખ, દર્શનાબેન દેશમુખ, વિક્રમભાઈ તડવી, જીતેશભાઈ તડવી, સી.કે.તડવી, દિનેશભાઈ તડવી (પ્રેસ), દિનેશભાઈ તડવી (કેવડીયા), દિવ્યેશભાઈ વસાવા, દિનેશભાઈ વસાવા (ચિત્રોલ), શ્રવણભાઈ તડવી, ભૂપેન્દ્રભાઈ વસાવા (વડીયા), પ્રીતિબેન વસાવા (મનસુખભાઇ વસાવાની પુત્રી), હરેશભાઈ વસાવા (નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ), શારદાબેન તડવી (ગરુડેશ્વર), જયંતિભાઈ તડવી (શાકવા), શીતલબેન તડવીના (ડેકાઈ) નામો ચર્ચાઈ રહ્યા છે.
હવે જો આ વખતે પણ સર્વ સ્વીકૃત ઉમેદવાર ના આવે તો ભાજપ માટે કપરા ચઢાણ થઈ શકે છે.એકને ટીકીટ આપે અને બાકીના નારાજ થાય અને ડેમેજ કંટ્રોલ કરવામાં નર્મદા જિલ્લા ભાજપ સંગઠનને સફળતા ન મળે તો આ વખતે પણ ભાજપે આ બેઠક ગુમાવવાનો વારો આવી શકે એમ છે. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે એવો કયો ચેહરો છે જે સર્વ સ્વીકૃત હોઈ શકે, ત્યારે લોકોના મુખે એક જ નામ આવે અને એ છે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા.જો ભાજપ મનસુખભાઈ વસાવાને ઉમેદવાર બનાવે તો ભાજપનો કોઈ પણ કાર્યકર એમનો વિરોધ ન કરે.સાંસદ મનસુખભાઈ વસાવાને ઉમેદવાર બનાવી ભાજપ માસ્ટર સ્ટ્રોક મારી શકે છે??? એ પ્રશ્ન હાલ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ વસાવાને ભાજપ નાંદોદ બેઠક પરથી જો ઉમેદવાર બનાવે તો ડેડીયાપાડા અને ઝઘડિયા અને જો ડેડીયાપાડા બેઠક પરથી જો ઉમેદવાર બનાવે તો નાંદોદ અને ઝઘડિયા બેઠક પર એનો સીધો ફાયદો થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.કારણ નર્મદા અને ભરૂચ એમ બંનેવ જિલ્લામાં એમનો પ્રવાસ પણ એટલો જ છે વ્યક્તિગત લોકચાહના પણ એટલી જ છે અને BTP વિરૂદ્ધ તેઓ લડાઈ પણ એટલા જ જુસ્સાથી લડે છે અને એમનો દબ દબો પણ એટલો જ છે.આ જ કારણોસર ભાજપ મનસુખભાઈ વસાવાને જો નાંદોદ અથવા ડેડીયાપાડા બે માંથી કોઈ એક બેઠક પર ઉમેદવાર બનાવે તો કોઈ પણ ભાજપનો કાર્યકર એમની વિરૂદ્ધ જવાનો વિચાર સુધ્ધા ન કરે.
BTP ને જાહેરમાં ચેલેન્જ કરનારા મનસુખભાઈ વસાવા એક માત્ર નેતા
BTP નો નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે દબદબો છે, એટલે જ ભાજપની સરકાર હોવા છતાં ભરૂચ જિલ્લાની ઝઘડિયા અને નર્મદા જીલ્લાની ડેડીયાપાડા બેઠક પર BTP એ જીત મેળવી હતી.જો કે બીજી બાજુ મનસુખભાઈ વસાવાએ એ બન્નેવ બેઠકો પર ડોર ટુ ડોર પ્રચાર કરી BTP ના નેતાઓને જાહેરમાં પડકાર્યા હતા, અને ભાજપના વિકાસ કાર્યોની ચર્ચાઓ કરવા જાહેરમાં ડીબેટ કરવા ચેલેન્જ આપી હતી.BTP ના ગઢ ઝઘડિયા તાલુકા પંચાયત અને નર્મદા જિલ્લા પંચાયત તથા તમામ તાલુકા પંચાયતોમા ભાજપની જીતનો શ્રેય મનસુખભાઈ વસાવાને જ જાય છે એમ કહીએ તો અતિશયોકિત ન કહેવાય.
આ પણ વાંચો: ડેડીયાપાડામાં “AAP” ના શક્તિ પ્રદર્શનથી BJP, કોંગ્રેસ, BTP ની ચિંતામાં વધારો.
2017 વિધાનસભા લડવાની પણ એમણે રજુઆત કરી હતી
ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ 2017 ની વિધાનસભા ચૂંટણી નાંદોદ બેઠક પરથી લડવા માટે ભાજપના તત્કાલીન અધ્યક્ષ અને હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહને પત્ર લખી રજુઆત કરી હતી.એ પત્રમાં એમણે જણાવ્યું હતું કે ભરૂચ બેઠક સામાન્ય બેઠક છે એટલે હવે પછી એ બેઠક પર સામાન્ય ઉમેદવાર આવે તો સારું એવી ચર્ચાઓ થઈ રહી છે.જો શબ્દશરણ તડવીના સ્થાને પાર્ટી કોઈ અન્ય ઉમેદવારને ટીકીટ આપવા માંગતી હોય તો મારું વતન રાજપીપળા છે, હું 1995 માં આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાયો હતો.શબ્દશરણ તડવી માટે મારે કોઈ વ્યક્તિગત ફરિયાદ નથી પણ જો એમને બદલવાના હોય તો રાજપીપલા વિધાનસભા ઉમેદવારી કરવા માટેની અનુમતિ આપવા ઘટતું કરશો એવું પત્રમાં એમણે જણાવ્યું હતું.ત્યારે આ વખતે ભાજપ મોવડીમંડળ જો મનસુખભાઈ વસાવા પર કળશ ઢોળે તો ભાજપને ફાયદો થવાની સંભાવનાઓ રહેલી છે.
Advertisement