સૂરત: ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સૂરતના મહુવામાં રાહુલ ગાંધીની જનસભા યોજાઇ હતી. આ દરમિયાન ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યુ કે ગુજરાતમાં ભાજપ વિધાનસભા ચૂંટણીમાં 70 બેઠકો પણ જીતી નહી શકે.
Advertisement
Advertisement
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, “રાહુલજી, આ તમારા સિપાહીઓ છે, પ્રધાનમંત્રીને કાળા વાવટા બતાવે તો પાસામાં પુરે અને દિવાળી જેલમાં જાય, આદિવાસીઓના હક અધિકાર માટે ધારાસભ્ય લડે ત્યારે પોલીસ તેમની બોચી પકડીને મારી નાખવાની વાત કરે, અમારા આદિવાસીઓ અને કોંગ્રેસના આગેવાનો ભાજપના જોર જુલમની સામે લડે છે ત્યારે ખોટા કેસ કરીને ચૂંટણી ના લડે અને ઘરમાંથી બહાર ના નીકળે તેવા કાવતરા ભાજપ કરી રહ્યુ છે, તમે સાચુ કહો છો રાહુલજી, અંગ્રેજ કી ગોલી સે નહી ડરે તો યે ભાજપા ક્યા ચીજ હૈ.”
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે વધુમાં કહ્યુ કે, કિન્નાખોરી તો જુવો, આજે બે હૉલિકોપ્ટરમાં વેણુગોપાલ, રઘુ શર્મા અને સુખરામ રાઠવા જેવા આગેવાનો આવવાના હતા, વડાપ્રધાનનો કાર્યક્રમ છે એટલે હૉલિકોપ્ટરની મંજૂરી બંધ, સાબદા રહેજો, તાકાતથી લડજો.
જગદીશ ઠાકોરે જનસભાને સંબોધતા હુંકાર કરતા કહ્યુ કે, “ભારતીય જનતા પાર્ટીની 70 કરતા પણ વધારે બેઠકો આવતી નથી અને તેમના પગ નીચેથી ગુજરાતમાં ધરતી ખસી ગઇ છે, રાહુલજી, ભાજપ ચૂંટણી નથી જીતતી, ભાજપના કાર્યકર્તા નિરાશ છે. ગુજરાતની પ્રજા તેમણે જાકારો આપે છે ત્યારે જેલોમાં જે ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે, જેલમાં જઇને મીટિંગ કરે છે અને જેલમાં ગુનેગારોને મહિનાનો પેરોલ આપે છે અને કહે છે કે ભાજપ તમારી સાથે છે અને કોંગ્રેસને જેટલુ નુકસાન કરી શકતા હોય તેટલુ કરો, આવી નીતિથી ભાજપ ચાલી રહ્યુ છે.”
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યુ કે, તમે ગુંડાઓને જેલમાંથી છોડો, ડાકુ લાવો, દેશ-દુનિયામાંથી આર્મી ઉતારો, રાહુલ ગાંધીનું આ દળ તાકાતથી મુકાબલો કરશે. લડેગે…જીતેગે.”
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ ભાજપને આદિવાસી વિરોધી ગણાવ્યા, કહ્યુ- તેઓ ઇચ્છે છે કે તમે જંગલમાં જ રહો
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન જ્યારે 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે. આ ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
Advertisement