ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કા માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપે ગઇકાલે ત્રણ બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે, વડોદરાની માંજલપુર બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા નહતા. હવે ભાજપે ફોર્મ ભરવાના અંતિમ દિવસે માંજલપુર બેઠક પરથી ઉમેદવારના નામની જાહેરાત કરી છે. માંજલપુરથી યોગેશ પટેલને રીપિટ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડૉ. વિજય શાહે કહ્યુ કે યોગેશ પટેલને માંજલપુરની ટિકિટ આપવામાં આવી છે.
માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યુ કે, હું આજે ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભરવા જઇશ. સીઆર પાટિલ અને મુખ્યમંત્રીએ મારી ટિકિટ જાહેર કરી છે. હું આ ચૂંટણીમાં પણ વધુમાં વધુ મત સાથે વિજેતા બનીશ. માંજલપુરમાં મારો કોઇ વિરોધ નથી, પાર્ટીએ મારી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
યોગેશ પટેલ સાતમી વખત વિધાનસભાની ચૂંટણી લડશે
વડોદરા વિધાનસભાની ત્રણ બેઠક હતી ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલ 4 વખત રાવપુરા બેઠક ઉપરથી ચૂંટાઇ આવ્યા હતા. વડોદરાની પાંચ વિધાનસભા બેઠક થયા બાદ છેલ્લી 2 ટર્મથી તે માંજલપુર બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: પીએમ મોદી ડોર ટૂ ડોર પ્રચાર કરશે, ભાજપે બનાવી રણનીતિ
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન
મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પર બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે જ્યારે 93 બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ચૂંટણી ત્રિકોણીય બની ગઇ છે. જોકે, રાજકીય વિશ્લેષક હજુ પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ટક્કર જણાવી રહ્યા છે.
Advertisement