એક સમયે અમરેલી જિલ્લામાં અને હવે ગીર સોમનાથમાં સમાવાતો આ તાલુકો દરિયાકાંઠાની સમૃદ્ધિના કારણે ઔદ્યોગિક ક્ષેત્રનો દબદબો ધરાવે છે. રાજ્યમાં ગણીગાંઠી સુગર મિલ હતી ત્યારે કોડીનાર તેમાં અગ્રે haaસર હતું. ત્યારબાદ લાઈમસ્ટોનનો વિશાળ ભંડાર મળી આવતાં અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ આવ્યો. જોકે ઔદ્યોગિક વિકાસ છતાં ઠેર FCનું ઠેર રહેલું કોડીનાર ખનીજચોરી અને માફિયાગીરીના કારણોસર સમાચારોમાં વધુ ઝળકતું રહે છે. વિધાનસભામાં બેઠકક્રમાંક 92 અંતર્ગત આ બેઠક જનરલ કેટેગરીમાંથી અનુસુચિત જાતિ માટે અનામત કરવામાં આવી છે. કોડીનાર ઉપરાંત ઉના તાલુકાના કેટલાંક ગામો સહિત આ મતવિસ્તારમાં કુલ 2,31,962 મતદારો નોંધાયેલાં છે.
Advertisement
Advertisement
મિજાજ
કોડીનારના રાજકીય મિજાજને ઔદ્યોગિક વિકાસ સાથે સીધો સંબંધ રહ્યો છે. એંશીના દાયકા સુધી અહીં રાજકીય જાગૃતિ નહિવત્ત હતી પરંતુ અંબુજા સિમેન્ટના આગમનના પગલે અહીં ટ્રાન્સપોર્ટ, માઈનિંગ અને લોજિસ્ટિક બિઝનેસનો ફેલાવો વધ્યો એમાં સ્થાનિકો વચ્ચે ખેંચતાણ પણ વધી જેની સીધી અસર રાજકીય મિજાજ પર પડી. 1995થી 2007 સુધી સતત અહીં ભાજપનો પ્રભાવ રહ્યો. જેમાં આ વિસ્તારમાં દબંગ છબી ધરાવતા દિનુ બોઘા સોલંકી ત્રણ વખત જીત્યા હતા. નવા સીમાંકન પછી આ બેઠક અનુસુચિત જાતિ માટે અનામત કરવામાં આવી એ પછી કોંગ્રેસને અહીં કમબેક કરવાની તક મળતી રહી છે. અત્યારે બંને પક્ષ અહીં સરખો પ્રભાવ ધરાવતાં હોવાનું ચિત્ર ઉપસે છે. છતાં હજુ પણ દિનુ બોઘા સોલંકીનો ઝુકાવ નિર્ણાયક ગણાય છે.
રેકોર્ડબુક
વર્ષ વિજેતા પક્ષ સરસાઈ
1998 દીનુભાઈ સોલંકી ભાજપ 19449
2002 દીનુભાઈ સોલંકી ભાજપ 2060
2007 દીનુભાઈ સોલંકી ભાજપ 32034
2009 બી.ડી. કરશનભાઈ કોંગ્રેસ 7942
2012 જેઠાભાઈ સોલંકી ભાજપ 8477
2017 મોહનલાલ વાળા કોંગ્રેસ 14535
કાસ્ટ ફેબ્રિક
કારડિયા ક્ષત્રિય સમાજનો અહીં સંખ્યા અને પ્રભાવ બંને દૃષ્ટિએ દબદબો રહ્યો છે. પ્રતાપસિંહ મોરી, અરશીભાઈ કામળિયા, ધીરસિંહ બારડ, લક્ષ્મણસિંહ પરમાર અને દિનુ બોઘા જેવા કારડિયા સમાજના આગેવાનો આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. એ ઉપરાંત આહિર, કોળી અને દલિત મતદારો પણ નોંધપાત્ર સંખ્યામાં છે. હાલ દિનુ બોઘાના પ્રભાવના કારણે કારડિયા સમાજનો ઝુકાવ ભાજપ પ્રત્યે રહેલો છે. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી કોંગ્રેસે અહીં કોળી અને દલિત મતદારોમાં નોંધપાત્ર વોટબેન્ક બનાવી છે. આહિર મતદારોને રિઝવવા માટે કોંગ્રેસ પાડોશના તાલાળા, રાજુલાના આહિર ધારાસભ્યોની મદદ લઈ શકે છે.
સમસ્યાઓ
ઔદ્યોગિક વિકાસના પરિણામો કોડીનાર શહેરને ભાગ્યે જ મળ્યાં જણાય છે. શહેરી વિસ્તારની ગંદકી તેમજ રસ્તાઓની હાલત ગામડાંથી ય બદતર છે. હેવી ટ્રાન્સપોર્ટની અવરજવરને લીધે હાઈવે પણ ત્રાસદાયક છે. સરકારી આરોગ્યસેવાઓ ધોરણસરની નથી. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનો અભાવ છે. નજીકમાં ઉના, વેરાવળ જેવા શહેરો પણ અપૂરતી સુવિધા ધરાવતા હોવાથી સમગ્ર પંથક શિક્ષણ, આરોગ્ય અને રોજગાર માટે જૂનાગઢ પર નિર્ભર છે. જમીનમાં ખારાશ વધતી જાય છે જેને લીધે ખેતીલાયક જમીનનું પ્રમાણ ભયજનક રીતે ઘટતું જાય છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
મોહન માલા તરીકે સ્થાનિક સ્તરે ઓળખાતા કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાવાની અફવાઓ વારંવાર ચગી છે પરંતુ મોહનભાઈ વાળા હજુ સુધી ડગ્યા નથી. આ વખતે પણ તેમની ટીકિટ પાકી ગણાય છે. જોકે આંતરિક સ્તરે તેમણે ભાજપમાંથી આવેલાં દિગ્ગજ દલિત નેતા જેઠાભાઈ સોલંકીનો પડકાર પણ ઊભો છે. જો તેઓ જેઠાભાઈને મનાવી શકે તો તેમની સફર આસાન બની શકે છે.
હરીફ કોણ છે?
ભાજપના જેઠાભાઈ સોલંકી 2012માં વિજેતા બન્યા બાદ દિનુ બોઘા સાથે અણબનાવ સર્જાતા તેમણે ભાજપ છોડી દીધો હતો. એ પછી ભાજપ હજુ સુધી અનામત બેઠક પર મજબૂત ઉમેદવારની તલાશમાં છે. કોંગ્રેસની વોટબેન્ક મજબૂત બની રહી છે એ જોતાં ભાજપના ઉમેદવારે સંપૂર્ણપણે દિનુ બોઘા સોલંકીના સમર્થન પર મદાર રાખવો પડશે.
ત્રીજું પરિબળ
આમઆદમી પાર્ટીએ અહીં સ્થાનિક દલિત અગ્રણી વાલજીભાઈ મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે. બહુચર્ચિત ઉનાકાંડ વખતે ભારે સક્રિય રહેલાં વાલજીભાઈ અહીં લોકપ્રિય અને આખાબોલા નેતા ગણાય છે પરંતુ તેઓ કોડીનાર શહેરમાં વધુ પ્રભાવ ધરાવે છે એ જોતાં ભાજપ માટે વધુ ચિંતાજનક બને તેવી શક્યતા છે. છતાં વાલજીભાઈની હાજરી સાંકડા માર્જિનથી હાર-જીતની આ બેઠકમાં ભારે રસાકસી સર્જશે એ નિશ્ચિત છે.
Advertisement