હાલોલ શહેર એ પાવાગઢ સ્થિત મહાકાલી મંદિર જેટલું જ પૂરાતન શહેર છે. પાવાગઢના પતાઈ રાવળની શિયાળુ રાજધાનીનો દરજ્જો ભોગવતું હાલોલ એક સમયે જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર પણ હતું. વિખ્યાત શ્રેષ્ઠી વસ્તુપાલ તેજપાલના દેરા હાલોલ આસપાસ આજે પણ જોવા મળે છે. ગુજરાતના સુલતાન મહેમુદ બેગડાએ પાવાગઢ જીત્યો પછી હાલોલ મુસ્લિમ શાસન હેઠળ આવ્યું. મહેમુદે પોતે જીતેલા દરેક શહેરોના હિન્દુ ધર્મસ્થાનો ભ્રષ્ટ કર્યા હતા, પરંતુ કહેવાય છે કે ગંગાધર નામના હાલોલના બ્રાહ્મણના શ્રાપના ડરથી અહીં તેણે એકે ય હિન્દુ મંદિર તોડવાનું તો દૂર, મંદિરોને નિભાવ માટે જમીન આપી હતી. ઐતિહાસિક પૃષ્ઠભૂ ધરાવતું હાલોલ આજે મધ્ય ગુજરાતના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિખ્યાત છે. અહીં એમ.જી. મોટર્સ, હિરો મોટર્સ, સિમેન્સ જેવી મલ્ટિનેશનલ કંપનીઓના એકમો ધમધમે છે. વિધાનસભાનો બેઠક ક્રમાંક 128 ધરાવતા હાલોલ મત વિસ્તારમાં હાલોલ શહેર, તાલુકા ઉપરાંત રિંછ અભયારણ્ય માટે વિખ્યાત જાંબુઘોડા તાલુકો અને ઘોઘંબાના કેટલાંક ગામો સમાવાયેલા છે. નોંધાયેલ મતદારોની સંખ્યા 2,71,631 છે.
Advertisement
Advertisement
મિજાજઃ
પ્રથમ ચૂંટણી વખતે અનુસુચિત જનજાતિ માટે અનામત રહેલી આ બેઠક પછીની દરેક ચૂંટણીમાં જનરલ કેટેગરીમાં રહી છે. સત્તાધારી પક્ષ કરતાં ય ઉમેદવારને વધુ વફાદાર રહેતી આ બેઠક કોંગ્રેસ અને ભાજપ બંનેને સરખી તક આપતી રહી છે. ઉદેસિંહ બારિયા જેવા લોકપ્રિય નેતા ઉમેદવારી કરતા હતા ત્યાં સુધી કોંગ્રેસને જીતાડતી આ બેઠક જયદ્રથસિંહ પરમાર જેવા જનતાની વચ્ચે રહેનારા ભાજપના દિગ્ગજ નેતાને પણ એકધારી જીતાડતી રહી છે.
રેકોર્ડબુક
વર્ષ | વિજેતા | પાર્ટી | સરસાઇ |
1998 | ઉદેસિંહ બારીયા | કોંગ્રેસ | 15,636 |
2002 | જયદ્રથસિંહ પરમાર | ભાજપ | 49,056 |
2007 | જયદ્રથસિંહ પરમાર | ભાજપ | 16,189 |
2012 | જયદ્રથસિંહ પરમાર | ભાજપ | 33,206 |
2017 | જયદ્રથસિંહ પરમાર | ભાજપ | 57,034 |
આ પણ વાંચો: #બેઠકપુરાણ શહેરાઃ ભાજપ એટલે જેઠાભાઈ એટલે જીત, અઢી દાયકાનું આ સમીકરણ હવે બદલાશે?
કાસ્ટ ફેબ્રિક
આશરે 18% જેટલાં ક્ષત્રિય મતદારો ધરાવતી આ બેઠક પર કોળી, દલિત અને મુસ્લિમ વસ્તી પણ નોંધપાત્ર છે. જોકે વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય ઉમેદવારોનો દબદબો રહ્યો છે. 13માંથી 12 વખત ક્ષત્રિય ઉમેદવારો જીત્યા છે. જયદ્રથસિંહ પરમારની એકધારી ફતેહને ખાળવા કોંગ્રેસે ક્ષત્રિય સામે કોળી, દલિત, મુસ્લિમ સમીકરણ બેસાડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી.
સમસ્યાઓઃ
મલ્ટીનેશનલ કંપનીઓનું મેન્યુફેક્ચરિંગ હબ હોવા છતાં અહીં સ્થાનિકોને કાયમી નોકરી નથી મળતી હોવાની ફરિયાદો વ્યાપક છે. કોન્ટ્રાક્ટ બેઝ્ડ નોકરીઓ રિન્યુ થતી નથી. પરિણામે રોજગારલક્ષી ફાયદો કશો થતો નથી. પાવાગઢ અને ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઈટ હોવા છતાં અહીં ટુરિઝમના વિકાસનો કશો ફાયદો જોવા મળતો નથી. માંચીનો વિકાસ કરવામાં આવે તો હાલોલને સીધો ફાયદો થાય. પરંતુ એ યોજના હજુ ય કાગળ પર અંકાયેલી પડી રહે છે.
વર્તમાન ધારાસભ્યનું રિપોર્ટકાર્ડ
ભાજપના જયદ્રથસિંહ પરમાર ચાર ટર્મથી અહીં અડીખમ છે. આશરે 15 હજાર મતની સરસાઈથી પહેલી ચૂંટણી જીત્યા બાદ છેલ્લી ચૂંટણી સુધીમાં તેમણે પોતાની સરસાઈ વધારીને આશરે 57 હજાર મત જેટલી પહોંચાડી દીધી છે એ જ સ્થાનિક સ્તરે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. સારાં-માઠાં પ્રસંગે મતવિસ્તારના લોકોને ત્યાં હાજરી આપવા માટે જાણીતા જયદ્રથસિંહ જોકે આ વખતે નો-રિપિટ થિયરીમાં કપાઈ જાય એ શક્યતા બળકટ છે. પરંતુ એ સંજોગોમાં જયદ્રથસિંહના પરિવારમાંથી અથવા એ કહે તેમને જ ટીકિટ અપાય એવી સ્થાનિક સ્તરે ચર્ચા છે.
આ પણ વાંચો: #બેઠકપુરાણ નડિયાદઃ ભાજપના ગઢમાં પાંચ ટર્મની દેસાઈગીરી કોંગ્રેસ આ વખતે તોડશે?
હરીફ કોણ છે?
જયદ્રથસિંહના એકધારા વિજયને રોકવા કોંગ્રેસે અહીં કોળી, દલિત, મુસ્લિમ સમીકરણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી નથી. આ વખતે કોંગ્રેસ પણ જૂની ભૂલો સુધારીને ક્ષત્રિય ઉમેદવારને ટીકિટ આપે એવી શક્યતા છે. એ માટે ચેતનસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ પરમારના નામો મુખ્ય દાવેદાર હોવાનું સંભળાય છે. પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી ભૂંડી હાર પછી હવે વિધાનસભામાં કમબેક કરવું તેનાં માટે મુશ્કેલ ગણાય છે.
ત્રીજું પરિબળઃ
આમઆદમી પાર્ટી અહીં ખાસ ચિત્રમાં નથી. ઓવૈસીના પક્ષે ચાંપાનેર નજીક રેલી કર્યા પછી તેમાં પણ કશો સળવળાટ નથી. આથી અહીં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધો જંગ લડાવાનું નિશ્ચિત છે
Advertisement